Vadodara

રૂ.3.56 કરોડના ખર્ચે રામનાથ તળાવનું નવીનીકરણ કાર્ય શરૂ



વડોદરા શહેરમાં ગયા ચોમાસામાં થયેલી વિનાશક પૂરની સૌથી વધુ અસર વોર્ડ નં. 14 અને 16માં જોવા મળી હતી. આ વિસ્તારના નાગરિકોને આગામી ચોમાસામાં આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે, તે માટે વડોદરા મહાનગર પાલિકા દ્વારા પૂરજોશમાં કામગીરી હાથ ધરાઈ છે. વડોદરાના રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આવેલું રામનાથ તળાવ લગભગ 20,000 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલું છે. આ તળાવમાં પાણી સંગ્રહની ક્ષમતા વધારવા માટે અને તેની સુવ્યવસ્થિત સફાઈ-મેઇન્ટેનન્સ માટે રૂ. 3.56 કરોડના ખર્ચે નવીનીકરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ કામ પૂર્ણ થતા તળાવની ઊંડાઈ વધશે, જેની અસરરૂપે 4 કરોડ લિટર જેટલું વધારે પાણી સંભાળી શકશે. આ કામગીરી આગામી દોઢથી બે મહિનામાં પૂર્ણ થઈ જશે. આ સમગ્ર પ્રોજેક્ટના કામનું આજે વિધાનસભાના દંડક, વોર્ડના કોર્પોરેટરો અને કોર્પોરેશનના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું.

શહેરમાં વરસાદી પાણીનો નિકાલ સુનિશ્ચિત કરવા માટે વરસાદી કાંસ ખુલ્લો અને સાફ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ચોખંડી, નાની શાકમાર્કેટ, દાલિયાવાડી અને ઇદગાહ મેદાન સુધીના કાંસને સંપૂર્ણપણે સાફ કરીને તેનું નવીનીકરણ કરવામાં આવશે. વિધાનસભાના દંડકે જણાવ્યું કે આ કાંસને વર્ષો સુધી યોગ્ય રીતે સાફ કરવામાં આવ્યો નથી, જેના કારણે વરસાદી પાણીની જમાવટ અને પૂર જેવી સમસ્યાઓ સર્જાઈ રહી હતી. આ નવી વ્યવસ્થાના કારણે ચોખંડી વિસ્તારના વરસાદી પાણી રામનાથ તળાવ અને અન્ય ડ્રેનેજ સિસ્ટમમાં સરળતાથી વહી જઈ શકશે.

Most Popular

To Top