Kalol

રૂ.3.50 લાખના ચેક રિટર્ન કેસમાં ફરિયાદી લ્હેણું સાબિત ન કરી શકતા હાલોલ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો

કાલોલ, તા. 06/02/2026

રૂ.3.50 લાખના ચેક રિટર્ન કેસમાં ફરિયાદી પોતાનું કાયદેસર લ્હેણું સાબિત કરવામાં નિષ્ફળ જતા હાલોલના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી જે.કે. ક્રિશ્ચિયન દ્વારા આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, હાલોલના ફુલાભાઈ પાર્ક નજીક કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા નિલેશભાઈ લાલાભાઈ ઉર્ફે લાલાભાઈ ગઢવીએ પાવાગઢ રોડ મોઘાવાડા ખાતે રહેતા સલમાન મુસ્તુફાભાઈ બાગવાલા સામે રૂ.3,50,000/- ની રકમ ટુકડે-ટુકડે ઉછીની આપ્યા બાદ ચેક બાઉન્સ થવા અંગે ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદીનો દાવો હતો કે એપ્રિલ 2022 થી નવેમ્બર 2022 દરમિયાન મિત્રતાના આધારે આરોપીને મોબાઇલ દુકાન માટે રૂ.3.50 લાખ આપ્યા હતા, જે પરત આપવા આરોપીએ તા.04/02/2023 નો ચેક આપ્યો હતો. જો કે, ચેક “Drawer Signature Differ” ના કારણે રિટર્ન થયો હતો.
કેસ દરમિયાન ફરિયાદ પક્ષ એ સાબિત કરી શક્યું નહોતું કે ચેક ઇશ્યૂ થયાની તારીખે આરોપી ઉપર કાયદેસરની લ્હેણી રકમ બાકી હતી. આરોપી તરફે એડવોકેટ એ.એસ. દીવાન તથા જે.બી. જોશી દ્વારા દલીલો કરવામાં આવી હતી.
ફરિયાદીની ઉલટ તપાસમાં ખુલ્યું હતું કે, ફરિયાદીએ આરોપીના પત્ની કે બાળકોના નામ જાણતા નથી, ઇનકમ ટેક્સ રિટર્નમાં આ વ્યવહાર દર્શાવેલ નથી, કઈ તારીખે કેટલી રકમ અપાઈ તેની કોઈ ડાયરી કે દસ્તાવેજ રજૂ કરેલ નથી. વધુમાં, વર્ષ 2022 દરમિયાન આરોપીએ ફરિયાદીને ગૂગલ પે મારફતે રૂ.38,000 ચૂકવ્યા હોવાનું પણ સ્વીકારાયું હતું, જે અંગે ફરિયાદીનો ખુલાસો કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવ્યો નહોતો.
આ તમામ પરિસ્થિતિઓને ધ્યાને લઈ, હાલોલ કોર્ટ દ્વારા આરોપી સલમાન મુસ્તુફાભાઈ બાગવાલાને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top