Vadodara

રીપેરીંગ કરી રહેલા કર્મીને વીજ કરંટ લાગતા થાંભલા પર જ ચોંટી ગયો, કરૂણ મોત


સુભાનપુરા વિસ્તારમાં વીજ થાંભલા ઉપર ચડી કોન્ટ્રાક્ટનો કર્મચારી કામ કરી રહ્યો હતો તે દરમિયાન બની ઘટના :

સેફટી સુરક્ષા વિના કામગીરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું :



વડોદરા શહેરમાં વીજ કંપનીની ઘોર બેદરકારી જોવા મળી છે. સલામતી સેફ્ટી વિના કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટના કર્મચારીને વીજ કરંટ લાગતા તેનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



વડોદરા શહેરમાં રીપેરીંગની કામગીરી દરમિયાન વીજ કરંટ લાગવાથી કર્મચારીનું મોત થયું હોવાની ઘટના બની હતી. શહેરના સુભાનપુરા ઝાંસી કી રાની વિસ્તારમાં જીઇબીની ટીમ મેન્ટેનન્સની સહિતની કામગીરી કરવા માટે પહોંચી હતી. ત્યારે, કોન્ટ્રાકટનો કર્મચારી ધર્મેન્દ્ર જયસ્વાલ વીજ થાંભલા ઉપર ચડ્યો હતો. અચાનક તેને કરંટ લાગતા તે ત્યાંનો ત્યાં જ ચોંટી ગયો હતો. જેના કારણે સાથી કર્મચારીઓમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. બનાવને લઈ સ્થળે સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. અન્ય વીજ કર્મચારીઓએ સલામતી પૂર્વક તેને નીચે ઉતારી સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જો કે ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો. બનાવને પગલે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક ભણીયારા ગામનો રહેવાસી અને કોન્ટ્રાકટ હેઠળ કામગીરી કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top