Charotar

રાહ જુઓ,તમે શિષ્યવૃત્તિ માટે e-kycની લાઇનમાં છો!

આણંદ જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો ‘ધંધે’ લાગ્યા

સરકારના શિક્ષણ વિભાગે શિષ્યવૃત્તિ માટે ઇ-કેવાયસીના તઘલખી નિર્ણયને કારણે બાળકો અને વાલીઓને રેશનકાર્ડ,આધારકાર્ડ અને બેંકની લાઈનોમાં ઊભા રહેવા મજબૂર 

આણંદ જિલ્લામાં શિષ્યવૃત્તિ માટે બાળકોનું રેશનકાર્ડમાં ઇ-કેવાયસી બાકી તા.30મી સુધીમાં કામ પૂરું કરવાનું હોઇ શિક્ષકો પણ માનસિક તાણમાં રહે તેવી ચિંતાજનક સ્થિતિ 

પ્રતિનિધિ આણંદ તા 24

આણંદ જિલ્લાના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોરણ 1થી માંડી 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિ માટેની દરખાસ્તમાં ઇ-કેવાયસી ફરજીયાત કરાતાં બાળકો, વાલીઓ અને શિક્ષકો તમામ ભણવાનું, ભણાવવાનું અને ધંધા-રોજગાર પડતાં મૂકીને ઇ-કેવાયસી કરાવવા ધંધે લાગ્યા છે. સરકારના આ એક નિર્ણયને કારણે સમગ્ર આણંદ જિલ્લાના વાલીઓ અને બાળકોને રેશનકાર્ડ, બેંક અને આધારકાર્ડની લાઇનમાં ઊભા રહેવાની મજબૂરી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ શાળામાં શિષ્યવૃત્તિ સંબંધિત કામગીરી કરતા શિક્ષકો અભિમન્યુના સાત કોઠા વિંધવા જેવી લાંબી લચક માહિતી પોર્ટલમાં ભરવાની હોઇ બાળકોને ભણાવવાનું તો ઠીક માનસિક તાણ અનુભવી રહ્યા છે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. 

 આણંદ જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી આઠેય મામલતદાર કચેરીઓમાં પુરવઠા શાખાની બારી આગળ વાલીઓ અને બાળકો ઇ-કેવાયસી માટે લાઇનમાં ઊભા રહેવાની નોબત આવી છે. . બેંકમાં આધાર લીંક ન હોય કે આધારકાર્ડ અપડેટ ન હોય તો ત્યાં પણ આ જ હાલત હતી. 

ધોરણ 11મા અભ્યાસ કરતી વિદ્યાર્થિની ફેનીબેન ઠાકોરના વાલી સુરેશભાઈ ઠાકોર ધ્વારા રોષ વ્યક્ત કરતાં જણાવાયું હતું કે, શાળાએથી ક્લાસ છોડી બાળકને લઇને ઇ-કેવાયસી માટે તાલુકા મથકે આવ્યા છીએ. ત્રણ ત્રણ કલાકથી લાઇનમાં ઊભા રહ્યા પછી માંડ માંડ ઈકેવાયસી થઈ શક્યું છે ‌. નોકરીના દિવસની રજા લેવી પડી છે. રેશનકાર્ડમાં બાળકનું નામ તો છે જ, તો ઇ-કેવાયસીનું સરકાર નાટક શા માટે ઉમેરી રહી છે. અન્ય એક વાલી દિનેશભાઇ સોલંકીએ કહ્યું કે, દીકરાના અંગૂઠાનું નિશાન ઇ-કેવાયસીમાં કરાવવાનું હોઇ કામકાજ છોડીને આવ્યા છીએ., શિષ્યવૃત્તિમાં આ તો બધાને હેરાનગતિવાળી પદ્ધતિ છે. હાલ તો વાલીઓ માટે શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરવી સાત કોઠા વિંધવા જેવું કામ બની ગયું છે. શિષ્યવૃત્તિનો હેતુ વિદ્યાર્થીને ભણતરમાં મદદરૂપ થવાનો છે, પરંતુ હાલના સંજોગોમાં  શિષ્યવૃત્તિના લીધે વિદ્યાર્થીઓનું ભણતર બગડે એવી નોબત આવી છે.

સર્વરના ધાંધિયા અને ઓટીપીની માથાકૂટ રહે છે

બોરસદ અને પેટલાદ તાલુકાના શિક્ષકોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ ચાર દિવસથી સર્વર વારંવાર ઠપ્પ રહ્યું હતું એટલે  શિષ્યવૃત્તિ માટે ઓનલાઇન દરખાસ્ત યોગ્ય સંખ્યામાં થઇ શકતી નથી. પોર્ટલમાં ઇ-કેવાયસીમાં બેંક ખાતામાં મોબાઇલ નંબર હોય તેના પર ઓટીપી જાય એ વાલીનો હોય છે એટલે તેમને બે વખત મોબાઇલ સાથે બોલાવવા પડે છે કે ફોનથી પૂછવું પડે. આવામાં મજૂરીવર્ગના વાલીઓ સમજતા નથી. સમજે તો દિવસ પાડીને આવી રહ્યા છે. ઓટીપી ફ્રોડ થતાં હોઇ કેટલાક વાલીને પણ સમજાવી શકાતાં નથી.

ઈ કેવાયસી જેવી કામગીરીને કારણે શિક્ષણકાર્યને અસર થઇ રહી છે

આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘે જણાવ્યું છેકે, હાલ શિક્ષકોની તાલીમ ચાલે છે. મહિના પછી પરીક્ષા છે. આવામાં શિષ્યવૃત્તિ માટે ઇ-કેવાયસીના કામથી શિક્ષણકાર્યને અસર થઇ રહી હોઇ બિન શૈક્ષણિક કાર્ય શિક્ષકોને નહીં સોંપવું, નહીં તો કામગીરી બહિષ્કારની ફરજ પડશે તેવી શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે.

શિષ્યવૃત્તિની ડિઝિટલ ગુજરાત પોર્ટલ ખુબ ધીમું ચાલતું હોઇ કલાકે માંડ 10 એન્ટ્રી થઈ શકે.

e-kyc કરવાની પ્રક્રિયા પણ જટિલ છે. જેમાં PDS+ એપ્લિકેશનમાં શિક્ષકો એપ ઓપન કરે એટલે વિદ્યાર્થીના વાલીના મોબાઈલમાં OTP આવે, OTP શિક્ષક વાલી પાસે માંગે, વાલી OTP આપે એટલે OTP જનરેટ કરે, આ કવાયત બે વખત આવે છે. ત્યાર બાદ ફોટો કેપ્ચર કર્યા પછી વિદ્યાર્થીની આધાર ડિટેઈલ ખૂલે, એમાં ટીક કરી સબમિટ ફોર એપ્રૂવલ આપે શિષ્યવૃત્તિની દરખાસ્ત સબમિટ થાય છે. એવામાં પોર્ટલ ધીમું ચાલતું હોઇ કલાકે માંડ 10 એન્ટ્રી થઈ શકે. શિષ્યવૃત્તિની ડિઝિટલ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરવા વિદ્યાર્થીનું બેંક ખાતું આધારકાર્ડથી લીંક હોવું જોઇએ. શાળા કક્ષાએ પોર્ટલમાં દરખાસ્ત કરવા આવક અને જાતિનો દાખલો કઢાવવાનો. ત્યાર બાદ આચાર્ય દરખાસ્ત કરે જેમાં વિદ્યાર્થીનું ધોરણ, પૂરું નામ, માતાનું નામ, જન્મ તારીખ, જિલ્લો, તાલુકો વસાહત, ઘરનું સરનામું, પીનકોડ, માતા-પિતાનો વ્યવસાય, કોમ્યુનિટી કાસ્ટ, ધર્મ, શારીરિક ખોડખાંપણ, કુટુંબની આવક, વાલીનો મોબાઈલ નંબર, વિદ્યાર્થીના ટકા, હાજર દિવસ, બીપીએલ નંબર, વિદ્યાર્થીનું આધાર સ્ટેટ, આધારનંબર, રેશનકાર્ડ નંબર, આધાર kyc, બેંક ડિટેઈલ, IFSC કોડ, બેંક એકાઉન્ટ નંબર વગેરે વિગતો અપલોડ કરવાની. જો આધારકાર્ડ અપડેટ હોય, રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક હોય તો જ દરખાસ્ત સબમિટ થાય.

Most Popular

To Top