વડોદરા: ગત જુલાઇ માસમાં વડોદરા જિલ્લામાં મહી નદી ઉપર ગંભીરા પુલનો એક ગાળો ધરાશાયી થયો હતો. જેના કારણે પુલ પરનો વાહન વ્યવહાર બંધ થવાથી વાહનચાલકો તથા રાહદારીઓને ખુબ જ હાલાકી ભોગવવી પડતી હતી.
આ ક્ષતિગ્રસ્ત પુલના બાજુમાં નવીન પુલ બનાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસા દરમ્યાન પણ યુદ્ધના ધોરણે શરૂ કરાઈ હતી. દિવસ-રાત સ્થળ પર કામ ચાલુ રાખી હાલમાં નવીન પુલની ૨૨% કામગીરી પૂર્ણ કરાઇ છે.
નવીન પુલ નિર્માણના સમયગાળા દરમ્યાન પાદરા તથા બોરસદ વિસ્તારમાં સ્થાપિત વિવિધ ઔદ્યોગિક એકમો ખાતે રોજગારી અર્થે અવર-જવર કરતાં પ્રજાજનોની મુસાફરીમાં ડાયવર્ઝનના કારણે પડતી મુશ્કેલીના નિવારણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત પુલનું વિસ્તૃત નિરીક્ષણ તથા પરીક્ષણ હાથ ધરી સ્ટીલ બ્રિજની વૈક્લ્પિક વ્યવસ્થાથી વાહન વ્યવહાર પુન:સ્થપિત રજૂઆત કરવામાં આવી હતી.
તેને અનુલક્ષીને કેબીનેટ મંત્રી રમણભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલી રજુઆત અન્વયે તા.૧૮/૧૧/૨૦૨૫થી રૂ.૯.૧૨ કરોડના ખર્ચે ક્ષતિગ્રસ્ત પુલ પર નવિનત્તમ સ્ટીલ બ્રિજ તથા પુલના અન્ય ગાળાઓમાં જરૂરી સમારકામગીરી હાથ ધરવા માટે મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
કેબીનેટ મંત્રી એ રાજ્ય સરકાર પ્રજાને પડતી તકલીફ નિવારવા સંવેદનશીલ અને કટિબદ્ધ હોવાનું જણાવ્યું છે.
આ મંજુર થયેલી કામગીરી તાકીદના ધોરણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ પર લેવામાં આવશે.
અને આ કામગીરી પૂર્ણ થયા પછી રસ્તા પરથી પસાર થતાં વડોદરા જિલ્લા તથા આણંદ જિલ્લાના મુસાફરોને રાહત થશે.