Vadodara

રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150 મી જયંતિ,પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે કરાયું સમૂહ ગાન

સંગીત માધ્યમ દ્વારા ‘વંદે માતરમ્’ જેવી રચનાઓએ રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવી : પ્રો.ભાવસાર

1951ની બંગાળી ફિલ્મ આનંદમઠમાં આ ગીતને અતિ વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું હતું

( પ્રતિનિધિ )વડોદરા,તા.7

ભારતીય રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે વિશિષ્ટ સમૂહ ગાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફેકલ્ટીના આશરે 150 શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

એમએસયુની પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસારે જણાવ્યું કે, વંદે માતરમ્ માત્ર એક ગીત નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ, સ્વતંત્રતાની ભાવના અને રાષ્ટ્રપ્રેમનો સંગીતમય પ્રતીક છે. આજના યુવા પેઢીને આ રચનાનો ઐતિહાસિક, સાહિત્યિક અને સંગીતમય વારસો સમજાવવો એ અમારો મુખ્ય હેતુ રહ્યો. કાર્યક્રમમાં જણાવાયું કે વંદે માતરમ્ ની પ્રેરણા ઈશ્વરચંદ્ર ગુપ્ત પાસેથી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને મળી, જે તેમના સાહિત્ય ગુરુ હતા. બંકિમચંદ્રે ગંગાના કિનારે બેસીને બંગાળી લોકસંગીતની ધૂન પરથી પ્રેરણા લઈ આ અમર રચના સર્જી હતી. આ ગીતને સૌપ્રથમ વખત યદુનાથ ભટ્ટાચાર્યે રાગ દેશમાં સ્વરબદ્ધ કરીને રજૂ કર્યું હતું. ત્યારબાદ અનેક પ્રખ્યાત કલાકારોએ આ ગીતને પોતાના સંગીતમય સ્વરૂપમાં રજૂ કર્યું, જેમ કે, પંડિત ઓમકારનાથ ઠાકુર, પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર, પંડિત વિનાયકરાવ પટવર્ધન, પંકજ મલિક, મુંગુબાઈ કુર્ડિકર, માસ્ટર કૃષ્ણરાવ ફુલંબિકર, પંડિત ભીમસેન જોશી, વીણા સહસ્ત્રબુદ્ધે, પંડિત જસરાજ, લતા મંગેશકર, વસંત દેસાઈ, નૌશાદ, હેમંતકુમાર, ગીતા દત્ત, દુર્રાની, પંડિત રમેશ દેશપાંડે, શોભા મુદગલ, અજય-અતુલ વગેરે. વિભિન્ન ફિલ્મોમાં વંદે માતરમ્ ને રાગ કાફી, ઝીંઝોટી, મિયા મલ્હાર, ખંબાવતી, સારંગ વગેરેમાં સ્વરબદ્ધ કરવામાં આવ્યું છે. ખાસ કરીને 1951ની બંગાળી ફિલ્મ આનંદમઠમાં આ ગીતને અતિ વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રવિન્દ્રનાથ ઠાકુરના યોગદાન તથા રવિન્દ્ર સંગીતના સંગીતમય પાસાઓ વિષે પણ ચર્ચા થઈ. સાથે જ જણાવાયું કે અરવિંદો ઘોષે વંદે માતરમનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય ગીત વંદે માતરમની સંગીતમય વિવિધતા, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને સાંસ્કૃતિક મહત્વથી અવગત કરાવવાનો રહ્યો હતો. પ્રોફેસર ભાવસારે વધુમાં જણાવ્યું કે, સંગીત માધ્યમ દ્વારા વંદે માતરમ્ જેવી રચનાઓએ રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવી છે. આ ગીતો દ્વારા સ્વતંત્રતા સંગ્રામના સમયમાં જનજાગૃતિ ફેલાઈ અને આંદોલનને શક્તિ મળી.

Most Popular

To Top