Vadodara

રાવપુરામાં ‘સ્પીડ’નો કહેર : રેન્જ રોવર બેકાબૂ, ટાયર ઉડી ગયું

મધ્યરાત્રિએ ખોડિયાર માતાના મંદિર પાસે લક્ઝુરિયસ કારનો કચ્ચરઘાણ, મોટી દુર્ઘટના ટળી
(પ્રતિનિધિ), વડોદરા. તા.7
વડોદરામાં વધતી જતી બેદરકાર ડ્રાઇવિંગ હવે ગંભીર ચિંતાનો વિષય બની રહી છે. શહેરમાં જાણે ગતિની સ્પર્ધા લાગી હોય તેમ એક પછી એક અકસ્માતોની હારમાળા યથાવત છે. ગત મધ્યરાત્રિએ રાવપુરા વિસ્તારમાં એક તેજ રફતાર લક્ઝુરિયસ રેન્જ રોવર કારનો ભયાનક અકસ્માત સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે આવેલા ખોડિયાર માતાના મંદિર નજીક મોડી રાત્રે આશરે 2 વાગ્યાના અરસામાં રેન્જ રોવર કાર (નં. GJ 06 FK 1011) ના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કારની ઝડપ એટલી પ્રચંડ હતી કે અથડાવાની સાથે જ ગાડીનું એક ટાયર ફાટી છૂટું પડી ગયું અને વાહનના ફૂરચા ઉડી ગયા હતા.

અકસ્માતની તીવ્રતાને કારણે કારની એરબેગ્સ ખુલી ગઈ હતી, જેના કારણે ચાલકનો આબાદ બચાવ થયો અને મોટી જાનહાનિ ટળી હતી. જોકે, કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. સાથે સાથે ટ્રાફિક સિગ્નલનો પોલ તથા લાઈટના થાંભલાને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે શહેરના રસ્તાઓ પર છૂટાછવાયા દોડતા વાહનો ગંભીર જોખમ સર્જી રહ્યા છે. આ પ્રકારની બેદરકારીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર સર્જાતા આવા અકસ્માતો ટ્રાફિક પોલીસની કામગીરી અને રાત્રિ પેટ્રોલિંગની અસરકારકતા પર પણ પ્રશ્નચિહ્ન ઉભા કરી રહ્યા છે.

સદનસીબે, આ ઘટનામાં કોઈ રાહદારી કે અન્ય વાહન ચાલક અકસ્માતની ઝપેટમાં ન આવતા મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ શહેરમાં વધતા ‘સ્પીડ એક્સિડેન્ટ્સ’ને લઈને ચિંતા વધુ ઘેરાઈ રહી છે.

Most Popular

To Top