વિધાનસભા દંડક બાળુ શુક્લના કહેવા અનુસાર આ કાંસ જ્યારથી બન્યો ત્યારથી સફાઈ થઈ જ નહીં
દંડક ધારાસભ્ય બાળુ શુકલે રામનાથ તળાવ અને દાલિયા વાડીથી ઈદગાહ મેદાન સુધીની વરસાદી કાંસની કામગીરીનું નિરિક્ષણ કર્યુ
રાવપુરા વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 14માં રામનાથ તળાવ 20,000 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલું છે. અહીં કોર્પોરેશન દ્વારા 3.56 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. દોઢ બે મહિનામાં આ કામ પૂરું થશે. તળાવ ઊંડું થતાં 4 કરોડ લિટર પાણી વધુ ભરાઈ શકશે. આ કામગીરીનું આજરોજ વિધાનસભાના દંડક તેમજ વિસ્તારના કોર્પોરેટરો અને કોર્પોરેશનના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું.
હવે વરસાદી કાંસ ખુલ્લો અને સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોખંડી, નાની શાક માર્કેટ, દાલિયા વાડીથી ઇદગાહ મેદાન સુધીના કાંસને નવું સ્વરૂપ આપવા સાફ કરવામાં આવશે. જેથી કરીને વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ શકે.
વિધાનસભાના દંડકના કહેવા અનુસાર આ કાંસ જ્યારથી બન્યો ત્યારથી સફાઈ કદાચ થઈ જ નહીં હોય. આ કાંસ પર ધંધો કરનારા લોકો અને દુકાનો અહીંથી શિફ્ટ કરવામાં આવશે અને કાંસ ખોલીને આખો સાફ કર્યા બાદ ફરી ઢાંકી દેવામાં આવશે. ધંધાર્થીઓ, દુકાનદારો ભલે ફરી પાછા અહીં બેસીને પોતાની રોજગારી મેળવી શકે તેનો કોઈ વાંધો નથી.
