*રાજકારણીઓ તથા પાલિકા તંત્ર મોટા ઉપાડે ખાતમુહૂર્ત કરી વાહવાહી લૂંટે છે પરંતુ ત્યારબાદ તે કામગીરી યાદ રહેતી નથી શું લોકોને ઉંધા ચશ્માં પહેરાવાય છે?*
*આસપાસના પશુઓ માટે પીવાના એકમાત્ર સ્થળ એવા રામનાથ તળાવમાં પાણી સૂકાઇ જતાં કેટલાક પશુઓના મોત નિપજ્યા હોવાના સ્થાનિકોના આક્ષેપો*
(પ્રતિનિધિ) વડોદરા તા. 23
શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા રામનાથ મહાદેવ મંદિર પાછળના રામનાથ તળાવના નવિનીકરણ માટે લોકોની અનેક રજૂઆતો અને માંબણીઓ બાદ શહેરના રાજકારણીઓ તથા પાલિકા તંત્ર દ્વારા એક વર્ષ અગાઉ ખાતમુહૂર્ત સાથે જ લાખ્ખોના ખર્ચે તળાવના બ્યૂટિફિકેશન અંગેની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજે એકાદ વર્ષનો સમય વિતવા છતાં અહીં કોઇપણ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી નથી ના તો કોઇ રાજકારણીઓ કે તંત્રના અધિકારીઓ જોવા આવી રહ્યાં છે. બીજી તરફ અહીં રામનાથ તળાવ ફરતે આસપાસના ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવ્યા નથી જેના કારણે હવે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને જો આગામી દિવસોમાં આ તળાવના બ્યૂટિફિકેશન અંગેની કામગીરી તથા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
અહીં એક વર્ષ અગાઉ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલ સાથે સ્થાઇ સમિતિના ચેરમેન, સ્થાનિક કાઉન્સિલરો અને પાલિકાના અધિકારીઓએ રામનાથ તળાવની મુલાકાત લીધી હતી અને જે તે સમયે બાળુ શુકલે તળાવનું લાખોના ખર્ચે બ્યૂટિફિકેશન કરવાની વાત કરી હતી સાથે જ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એકાદ અઠવાડિયામાં તળાવ ફરતે અને આસપાસના ગેરકાયદેસર દબાણોને પણ દૂર કરવામાં આવશે. ત્યારબાદ આ તળાવના બ્યૂટિફિકેશન અંગે પાલિકા તંત્ર દ્વારા પાલિકાની સામાન્ય સભામાં રામનાથ તળાવના બ્યૂટિફિકેશન ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ આજે એક વર્ષ વિતી ગયું છે છતાં ના તો અહીં કામગીરી શરૂ કરાઇ છે અને ના અહીં આસપાસના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. અહીં પશુઓને પીવા માટેનું આ એકમાત્ર તળાવ પણ સૂકાઇ જતાં મેદાન બની ગયું છે અહીં કેટલાક પશુઓ પાણી વિના મૃત્યુ પામ્યા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે. સાથે જ સાંજ પછી આ વિસ્તારમાં લોકો શરાબ તથા નશાનુ સેવન કરતાં હોય છે કારણ કે તેઓ માટે આ સુરક્ષિત ગુપ્ત સ્થળ પણ બની ગયું છે. હવે જ્યારે લોકસભાની ચૂંટણી પણ પૂર્ણ થઇ ગઇ છે અને સાથે જ આચારસંહિતા પણ ઉઠી ગ ઇ છે સતત ફરીવાર ભાજપની એનડીએ સરકાર છે વડોદરામાં પણ ફરીવાર ભાજપ સત્તા પર આરૂઢ છે ત્યારે આ ગાજરાવાડી ના રામનાથ તળાવનું બ્યૂટિફિકેશન વહેલી તકે કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
રામનાથ તળાવનું ખાતમુહૂર્ત માત્ર નાટક હતું? એક વર્ષ વિત્યા છતાં કામગીરી શરૂ નથી થઈ
By
Posted on