- ફાયર સેફ્ટિ અને અન્ય શરતોના ઉલ્લંઘન બાદલ પાલિકાએ સીલ કર્યું હતું
- વેપારીઓ દ્વારા નવા સાધનો નાખી બાંહેધરી અપાતા પુનઃ પરવાનગી અપાઈ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાત્રી બજારમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ તેમજ વેપારીઓ દ્વારા કેટલીક શરતોનું ઉલ્લંઘન કરાતા બજારને સીલ કરવામાં આવ્યું હતું. કારેલીબાગ સ્થિત રાત્રી બજારમાં 30 દુકાનો કાર્યરત છે જે બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જો કે વેપારીઓ દ્વારા નવા સેફટી સાધનો તેમજ શરતોનું ઉલ્લંઘન નહિ કરવાની બાંહેધરી આપ્યા બાદ પાલિકાએ પુનઃ બજાર શરુ કરવાની પરવાનગી આપી છે.
હરણી દુર્ઘટના બાદ પાલિકા દ્વારા વિવિધ રાઇડ્સ બંધ કરવામાં આવી હતી તો ભીડભાડ વળી જગ્યાઓએ પણ સલામતીના સાધનો છે કે કેમ તે અંગેની તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રાત્રી બજારમાં વેપારીઓ દ્વારા ફાયર સેફટીના સાધનો પૂરતા ન રકહાયા હોવાનું તેમજ જે શરતોએ બજાર આપવામાં આવ્યું હતું તેનું ઉલ્લંઘન થતું હોવાનું જણાતા પહેલા નોટિસ આપવામાં આવી હતી અને ત્યાર બાદ બજારને સીલ મારી દેવામાં આવ્યું હતું. જો કે ત્યાર બાદ વેપારીઓએ નવા સેફટી સાધનો વસાવી લીધા અને શરતનું ઉલ્લંઘન નહિ થાય તેવી બાંહેધરી આપતા ગુરુવારે રાતથી બજાર ખોલવા પરવાનગી આપવામાં આવી હતી જો કે ગુરુવારે કેટલાક વેપારીઓએ માત્ર સાફ સફાઈ કરી હતી. અને શુક્રવારથી આ બજાર પુનઃ ધમધમતું થઇ જશે.