Vadodara

રાજ્ય સરકારે નાણા નહીં આપતા ધારાસભ્ય યોગેશ પટેલે શિવજીકી સવારીનો ખર્ચો મહાપાલિકાના માથે નાંખ્યો

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં 45 કરોડના 17 વિકાસ કામો રજૂ

શિવજી કી સવારીના ખર્ચ રજૂ કરાતા વિવાદ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં કુલ રૂ. 45 કરોડના 17 વિકાસ કામો માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં અટલાદરા તળાવમાંથી પાણીની લાઈન શિફ્ટ કરવાની કામગીરી, બાંકડા ખરીદી, રસ્તા-ડ્રેનેજ-વરસાદી ગટર, ફૂટપાથ સર્વિસ ટ્રેક પેવર બ્લોક, અને વિશ્વામિત્રી બ્રિજ નીચે વરસાદી ચેનલ બનાવવા જેવા કામોનો સમાવેશ થાય છે. જોકે સૌથી વિવાદાસ્પદ કામ શિવજીકી સવારીનો ખર્ચ મંજૂર કરવાનું છે. રાજકીય સરકારે નાણા નહીં આપતા ધારાસભ્ય યોગેશ પટેલે મહાપાલિકાના માથે ઠીકરું ફોડ્યું છે.

વડોદરામાં દર વર્ષે ધારાસભ્ય યોગેશ પટેલના માર્ગદર્શન હેઠળ શિવજી કી સવારીનું ભવ્ય આયોજન થાય છે. અગાઉ આ કાર્યક્રમ માટે રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી નાણાં ફળવાતા હતા, પરંતુ આ વર્ષે સરકાર તરફથી ગ્રાન્ટ પ્રાપ્ત થઈ નથી. એથી ફરાસખાના અને વિડીયોગ્રાફી માટે રૂ. 1 કરોડનું ભંડોળ કોર્પોરેશનમાંથી ફાળવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે ભાજપની સંકલન સમિતિમાં વિવાદનો વિષય બની ગયો છે. અગાઉ ન્યાય મંદિર અને લાલ કોર્ટમાં મ્યુઝિયમ બનાવવા માટે આગવી ઓળખની ગ્રાન્ટમાંથી જ ફંડ ફાળવવા મહિલા કોર્પોરેટર પાસે ઠરાવ કરાવ્યો હતો, તેવા જ રીતે શિવજી કી સવારી માટે નાણા સરકારની ગ્રાન્ટ આવ્યા બાદ જ ફાળવવા આવશે કે કેમ તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે.

વિધાનસભાના દંડક બાળુ શુક્લે હેરિટેજ વડોદરાની આગવી ઓળખ માટે ન્યાય મંદિર અને લાલ કોર્ટમાં મ્યુઝિયમ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો, ત્યારે મહિલા સભ્યે સરકારની આગવી ઓળખ ગ્રાન્ટમાંથી જ ફંડ ફાળવવા દબાણ કર્યું હતું. હવે ધાર્મિક કાર્યક્રમ માટે નાણાં ફાળવવા મુદ્દે ભાજપના આંતરિક મતભેદો વધુ ઉગ્ર બન્યા છે. શિવજી કી સવારી માટે અગાઉ સરકારની ગ્રાન્ટમાંથી નાણાં ચૂકવવા ઠરાવ કરાયો હતો, પરંતુ આ વર્ષે ગ્રાન્ટ નહીં મળતા શિવજી કી સવારીના ખર્ચ માટે કોર્પોરેશનના બજેટમાંથી રૂ. 1 કરોડ ફાળવવા દરખાસ્ત રજૂ થતાં વિવાદ સર્જાયો છે. અત્યાર સુધી જે મહિલા સભ્યએ હેરિટેજ પ્રોજેક્ટ માટે આગવી ઓળખ ગ્રાન્ટની જ માંગણી કરી હતી, તે શિવજી કી સવારી માટે પણ સરકારી ગ્રાન્ટ આવ્યા બાદ જ ફંડ ફાળવવા દબાણ કરશે કે નહીં ? આ મુદ્દે કોર્પોરેશનમાં ચર્ચા ગરમાઈ છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 45 કરોડના વિકાસ કામોને લીલીઝંડી આપવા સાથે શિવજી કી સવારીના ખર્ચ અંગે તણાવ જોવા મળી રહ્યો છે. સરકારની ગ્રાન્ટ નહીં મળતા કોર્પોરેશનના બજેટમાંથી નાણાં ફાળવવા વિવાદ ઉભો થયો છે, જેને કારણે ભાજપની સંકલન સમિતિ અને કોર્પોરેશનના સભ્યો વચ્ચે મતભેદ થવાની શક્યતા છે.



વિવિધ વિભાગના કરોડોના કામોની રજૂઆત

શિવજી કી સવારી માટે ખર્ચ : રૂ. 1 કરોડ

બાંકડા ખરીદી : રૂ. 2.45 કરોડ

પશ્ચિમ ઝોનમાં માનવદિન સપ્લાય : રૂ. 1.90 કરોડ

અટલાદરા તળાવથી પાણીની લાઈન શિફ્ટ : રૂ. 13.51 કરોડ

સિવિલ કામો માટે પશ્ચિમ ઝોનમાં ફાળવેલા ફંડ : રૂ. 3 કરોડ

સામસાવલી કેનાલ પર વાલ્વ બેસાડવા : રૂ. 1.20 કરોડ

સૂકેત પથ્થર ખરીદી : રૂ. 1.84 કરોડ

ઉત્તર ઝોન માટે રોડ પ્રોજેક્ટ : રૂ. 8 કરોડ

ફૂટપાથ સર્વિસ ટ્રેક પેવર બ્લોક : રૂ. 10 કરોડ

વિશ્વામિત્રી બ્રિજ નીચે વરસાદી ચેનલ : રૂ. 23 લાખ

સંખેડા દશા લાડ પાસે બુસ્ટર મશીનરી બદલવા : રૂ. 29 લાખ

પાણી પુરવઠા વિભાગ માટે ઈલેક્ટ્રિકલ સમારકામ : રૂ. 65 લાખ

કોર્પોરેશનના 1 કરોડ નાગરિકોના હિતમાં વપરાવવા જોઈએ

વડોદરા શહેરમાં દર વર્ષે ધારાસભ્ય યોગેશ પટેલના માર્ગદર્શન હેઠળ શિવજી કી સવારીનું ભવ્ય આયોજન થાય છે. અગાઉ આ ધાર્મિક કાર્યક્રમ માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી, પરંતુ આ વર્ષે કોઈ પણ પ્રકારની સહાય પ્રાપ્ત થઈ નથી. પરિણામે, વડોદરા કોર્પોરેશનમાંથી રૂ. 1 કરોડ ફાળવી દેવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થઈ છે. નાગરિકોમાં આ નિર્ણયને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ ભંડોળ જાહેર વહીવટ અને વિકાસ કાર્યો માટે હોય છે. ધારાસભ્ય યોગેશ પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. ગુજરાત સરકારમાંથી ગ્રાન્ટ ન મળતા કોર્પોરેશનના નાણાંનો ઉપયોગ કરવામાં આવે તો એ ટેક્સ ચૂકવનારા નાગરિકોના હિત વિરુદ્ધ છે. આ પહેલા પણ ધારાસભ્ય યોગેશ પટેલના દબાણને કારણે માંજલપુર વિસ્તારમાં પેવર બ્લોક લગાવ્યા બાદ તેને દૂર કરવામાં આવ્યા હતા. જેના કારણે કોર્પોરેશનના ભંડોળ પર ભારણ પડ્યું હતું. હવે ફરી એક વખત શહેરના નાગરિકોના ટેક્સના પૈસા ધારાસભ્ય યોગેશ પટેલના ધાર્મિક કાર્યક્રમ માટે વપરાઈ રહ્યા હોવાને લઈને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં પીવાના પાણી, માર્ગો અને ડ્રેનેજ જેવી સમસ્યાઓ હજી સુધી ઉકેલાઈ નથી, ત્યારે 1 કરોડ રૂપિયાની ફાળવણી માત્ર એક નેતાના અહમને સંતોષવા ખર્ચ કરવા એ તર્કસંગત છે કે નહીં તે ચર્ચાનો વિષય બની ગયો છે. ધારાસભ્ય યોગેશ પટેલ પોતાની રાજકીય ધાર્મિક છાપ બનાવવા માટે કોર્પોરેશનના નાણાંનો ઉપયોગ કરી રહ્યા હોવાનો ગણગણાટ શરૂ થયો છે.







Most Popular

To Top