Vadodara

રાજ્ય સરકારના ઠરાવ બાદ વડોદરા પાલિકા કર્મચારીઓને 58% મોંઘવારી ભથ્થું મળશે

પાલિકા કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો

1 જુલાઈ 2025થી અમલ, કર્મચારીઓને નવેમ્બરથી સુધારેલા દરે ભથ્થું મળશે, પેન્શનરોને ઓક્ટોબરથી લાભ

વડોદરા: ગુજરાત સરકારના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક વલભ-102016-જીઓઆઇ-7-ચ તારીખ 7 ઓક્ટોબર 2025 મુજબ, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાનો દર સુધારવામાં આવ્યો છે. આ ઠરાવ વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ અને પેન્શનરો પર પણ લાગુ પડશે. આ ઠરાવ મુજબ તા. 1 જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થાનો દર મૂળ પગારના 58 ટકા તરીકે નક્કી કરવામાં આવ્યો છે. સુધારેલા પગાર માળખામાં મૂળ પગાર એટલે પે-મેટ્રિક્સના લેવલ મુજબ મળતો પગાર ગણાશે, જેમાં ખાસ પગાર કે અન્ય ભથ્થાનો સમાવેશ નહીં થાય. મોંઘવારી ભથ્થું પગારનો ભાગ નહીં ગણાય, પરંતુ અલગ રીતે ચૂકવાશે. પૈસાની ગણતરીમાં 50 પૈસા અથવા તેથી વધુને આખા રૂપિયામાં ગણી ચુકવાશે. કર્મચારીઓને નવેમ્બર 2025 થી સુધારેલા 58% દરે મોંઘવારી ભથ્થું નિયમિત માસિક પગાર સાથે ચુકવાશે. જ્યારે જુલાઈથી ઓક્ટોબર 2025 સુધીના ચાર મહિનાના ભથ્થા તફાવતની રકમ ઈલાયદા પત્રકથી ચૂકવાશે. આ માટે આઈ.ટી. વિભાગ દ્વારા પત્રકો તૈયાર કરવામાં આવશે. તફાવતના પત્રકો 14 ઓક્ટોબર બાદ મેળવાઈ 16 ઓક્ટોબર સુધી ઓડીટ માટે રજુ કરાશે, અને 28 ઓક્ટોબર સુધી હિસાબી શાખામાં રજૂ કરી નવેમ્બર મહીનાના પ્રથમ અઠવાડિયામાં ચૂકવણી કરાશે.

પેન્શનરોને ઓક્ટોબર 2028થી સુધારેલા 58% દરે હંગામી વધારો મળશે. જ્યારે જુલાઈથી સપ્ટેમ્બર 2025 સુધીના તફાવતની રકમ ઈલાયદા પત્રકથી ચુકવાશે. સંબંધિત પત્રકો 15 ઓક્ટોબરે તૈયાર કરી 29 ઓક્ટોબર સુધી ઓડીટ માટે રજુ કરાશે, અને હિસાબી શાખા દ્વારા ચુકવણું નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં કરવામાં આવશે. નિવૃત્ત અને અવસાન પામેલા કર્મચારીઓના કિસ્સામાં, તફાવતની રકમ બેન્ક ખાતા મારફતે ચૂકવાશે. સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણા મેળવનાર કર્મચારીઓને જ આ મોંઘવારી ભથ્થામાં થયેલો વધારો મળવાપાત્ર રહેશે. પાલિકા પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પરીપત્રનો ચુસ્તપણે અમલ કરાશે અને તમામ વિભાગોએ સમયસર કાર્યવાહી પૂર્ણ કરવી રહેશે.

Most Popular

To Top