સુનાવણી દરમિયાન અપૂરતી સુવિધા સહિતના કારણોસર 119 સંસ્થાઓની દરખાસ્ત નામંજૂર
નવી સ્કૂલો શરૂ કરવા કુલ 269 અરજી આવી, 84 પેન્ડિંગ
( પ્રતિનિધિ )વડોદરા,તા.9
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં આગામી શૈક્ષણિક સત્રમાં 66 ખાનગી સ્કૂલોને પ્રોવિઝનલ મંજૂરી આપી દેવામાં આવી છે. આ સ્કૂલોમાં 39 સ્કૂલો ગુજરાતી માધ્યમની અને અંગ્રેજી માધ્યમની 27 સ્કૂલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હજુ અનેક સંસ્થાઓની અરજી પેન્ડિંગ હોવાથી આગામી દિવસોમાં કેટલીક વધુ સ્કૂલોને મંજૂરી મળે તેવી શકયતાં છે.
શિક્ષણ બોર્ડ દ્વારા દરવર્ષે નવી સ્કૂલો શરૂ કરવા ઇચ્છતી સંસ્થાઓ પાસેથી દરખાસ્ત મંગાવવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે કુલ 269 જેટલી અરજીઓ નવી સ્કૂલ શરૂ કરવા માટે આવી હતી. જે પૈકી 66 સ્કૂલોને મંજૂરી આપી દેવામાં આવી છે. જેની સામે હજુ 84 અરજીઓ પેન્ડિંગ પડી છે. આ ઉપરાંત સુનાવણી દરમિયાન અપૂરતી વ્યવસ્થા અને અપૂરતા દસ્તાવેજોના કારણે 119 જેટલી દરખાસ્તો રદ કરી દેવામાં આવી હતી. ચાલુવર્ષે કુલ 269 સંસ્થાઓએ અરજી કરી હતી. આ અરજીઓના સંદર્ભમાં ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન સુનાવણી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સૂત્રો કહે છે કે કુલ 185 અરજીઓ અંગેનો નિર્ણય લેવાઇ ગયો છે. જેની સામે 84 અરજીઓ પેન્ડિંગ છે. જેમાંથી હાલમાં કુલ 66 સ્કૂલોને મંજૂરી આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેની સામે 119 અરજીઓને નામંજૂર કરી દેવામાં આવી છે.પ્રાથમિક શાળાઓને ફાઇનલ મંજૂરી આપવામાં આવતી હોય છે. જેની સામે અન્ય સ્કૂલોને પ્રોવિઝનલ મંજૂરી આપવામાં આવે છે. પ્રોવિઝનલ મંજૂરી બાદ નોંધણી થાય ત્યાં સુધી સંસ્થાઓે રાહ જોવી પડતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં પ્રોવિઝનલ મંજૂરી મળ્યા પછી લાંબો સમય સુધી નોંધણીની પ્રક્રિયા પૂર્ણ ન થતાં જે તે સંસ્થાઓએ રાહ જોવી પડે છે. છેલ્લા કેટલાય સમયથી ચાલતી આ પ્રકારની કાર્યવાહીના સંદર્ભમાં કેટલાક સંચાલકોએ તમામ સ્કૂલને ફાઇનલ મંજૂરી આપી દેવા માટેની માગણી પણ કરવામાં આવી છે.