સ્માર્ટ સિટીઝ કાર્યક્રમમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
વડોદરા | 18 ડિસેમ્બર 2025
સ્માર્ટ સિટીઝ અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પ્રેરણાથી શરૂ થયેલા City Investments to Innovate, Integrate and Sustain કાર્યક્રમમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને કુલ ₹2800 કરોડના ચેક વિવિધ સર્વાંગી વિકાસ કામો માટે અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિઝનરી લિડરશીપ, વિકાસ માટેની પ્રતિબદ્ધતા અને પૂરતા નાણાં ઉપલબ્ધ હોય તો અર્બન ડેવલોપમેન્ટ કેટલી ઝડપથી શક્ય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે દેશને આપ્યું છે. તેમણે ઉમેર્યું કે ક્લાયમેટ ચેન્જના પડકારો સામે રાજ્યના શહેરોએ ગ્રીન સ્પેસ, ગ્રીન મોબિલિટી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રણી ભૂમિકા ભજવી છે.
આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ, નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓને ₹360 કરોડ અને 152 નગરપાલિકાઓને ₹308 કરોડની રકમ વિકાસ કાર્યો માટે આપવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ વિકાસના દરેક કામમાં ગુણવત્તા અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાની સાથે 2035 સુધીમાં ગુજરાતના શહેરોને દેશમાં ઉત્કૃષ્ટ સુવિધાયુક્ત શહેરો બનાવવાની અપીલ કરી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતે શહેરી વિકાસ અને સ્વચ્છતામાં રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઊભી કરી છે. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ તમામ વિકાસ કાર્યો સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે રાજ્યના શહેરી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
વડોદરાને રૂ.235 કરોડ ફાળવવામાં આવ્યા
ગુજરાત સરકાર દ્વારા વડોદરાને મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી ગ્રાન્ટ હેઠળ ₹235 કરોડની રકમ ફાળવવામાં આવી છે. આ રકમ ગ્રાન્ટની બીજી કિસ્ત તરીકે આપવામાં આવી છે.
આ અગાઉ આ યોજના હેઠળ ₹137 કરોડની પ્રથમ કિસ્ત વડોદરાને ફાળવવામાં આવી હતી. આજની બીજી કિસ્ત સાથે વડોદરાને કુલ ₹372 કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે.