વડોદરાના તળાવો ફરતેના 500થી વધુ ગેરકાયદે મકાનોના દબાણ દૂર કરવાની માંગ તેજ
રાજા-રાણી અને અજબ તળાવની આસપાસ સરકારી જમીન પર દબાણો, તંત્ર સામે કાર્યવાહી માટે સ્થાનિકો અને સામાજિક સંસ્થાઓનું દબાણ
ચંડોળા તળાવની જેમ કડક પગલાં લેવાની અપેક્ષા
વડોદરા: વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા રાજા-રાણી તળાવ અને અજબ તળાવની આસપાસ છેલ્લા અનેક વર્ષોથી સરકારી જમીન પર ગેરકાયદે દબાણો વધી રહ્યા છે. તળાવની આસપાસ 500થી વધુ કાચાં-પાકાં મકાનો ઉભાં કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને રાજા-રાણી તળાવમાંથી જતી અને આજથી આવતી પાણીની ફીડરલાઇન પર પણ 100થી વધુ મકાનો બાંધવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાજા-રાણી તળાવ અને અજબ તળાવ વચ્ચેની દીવાલ પર પણ 10 ફૂટ પહોળો બ્રિજ બાંધવામાં આવ્યો છે.

આ દબાણોને કારણે તળાવની કુદરતી સુંદરતા અને પાણીના સ્ત્રોતો પર ગંભીર અસર થઈ રહી છે. સ્થાનિક રહીશો અને સામાજિક સંસ્થાઓએ તંત્ર સમક્ષ દબાણો દૂર કરવાની માંગ ઉઠાવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી, જ્યાં તંત્રે તાજેતરમાં જ મોટા પાયે ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા.
વડોદરામાં પણ આવી જ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. પૂર્વ કાઉન્સિલર વિજય પવારે વર્ષ 2018માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન કમિશનર વિનોદ રાવને લેખિત રજૂઆત કરી હતી, પરંતુ કેટલાક કારણોસર કાર્યવાહી અટકી પડી હતી. હાલ ફરી એકવાર દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે તંત્ર પર દબાણ વધી રહ્યું છે.
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, જો તેમને વૈકલ્પિક રહેઠાણ આપવામાં આવે તો તેઓ દબાણમાંથી હટવા તૈયાર છે. બીજી તરફ, તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટે નોટિસો આપવામાં આવી રહી છે અને કાર્યવાહી માટે તૈયારી શરૂ થઈ છે. હવે જોવાનું એ રહેશે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ચંડોળા તળાવની જેમ અહીં પણ કડક પગલાં લે છે કે નહીં.