Charotar

રાજાશાહી ઠાઠમાં રહેલો ASI ભરતગીરી ગૌસ્વામી હવે 5 દિવસ ACBના રીમાન્ડ પર….


ચરોતર એન.આર.આઈ. હબ હોવાથી ઉચ્ચ અધિકારીઓની રહેમરાહે PCC આપવામાં લૂંટ ચાલી રહી હતી.

વર્ષોથી ઉચ્ચ અધિકારીઓની છત્રછાયામાં રહી અને લાંચ લેવા માટે ટેવાઈ ગયેલો અલાર્મ ASI ભરતગીરી ગૌસ્વામી હવે એ.સી.બી.ના ચકરડામાં ભરાઈ ગયો છે. રાજાશાહી ઠાઠમાં જીવતા ભરતગીરી હવે 5 દિવસ એ.સી.બી.ના રીમાન્ડ પર રહેશે. જ્યાં એ.સી.બી. દ્વારા આ લાંચ મામલે તપાસ કરવામાં આવનાર છે. ગતરોજ અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોએ તેને 5 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો અને આ મામલે તેને કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રીમાન્ડ મંજૂર થયા છે.
નડિયાદની પોલીસ અધિક્ષકની કચેરીમાં આવેલા એલ.આઈ.બી. વિભાગનો એ.એસ.આઈ. ભરતગીરી ગૌસ્વામી અમદાવાદ એ.સી.બી.ના લાંચના છટકામાં 5 લાખ લેતા ઝડપાઈ ગયો હતો. તેને આજે કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરાઈ હતી અને તેના 5 દિવસના રીમાન્ડ મંજૂર થયા છે. આ પ્રકરણમાં ઉતરસંડાના પરીવાર એક યુવક વર્ષોથી અમેરીકામાં રહેતો હોય અને તેનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાથી નવો કઢાવવા માટે અમેરીકાની ભારતીય એમ્બેસીમાં અરજી આપી હતી. આ અરજી બાદ એમ્બેસી દ્વારા સ્થાનિક પોલીસ દ્વારા અપાતુ પોલીસ ક્લીયરન્સ સર્ટીફીકેટ મંગાવ્યુ હતુ. જે માટે યુવકના પરીવારજનો દ્વારા આ સર્ટીફીકેટ કઢાવવા માટે અરજી કરાઈ હતી. જે સંદર્ભે આ પરીવાર પાસે એલ.આઈ.બી. શાખાના ભરતગીરી ગૌસ્વામી દ્વારા યુવકની તરફેણમાં ક્લીયરન્સ સર્ટીફીકેટ લખી આપવા માટે 40 લાખ રૂપિયાની માંગણી કરાઈ હતી. જેમાં રકઝકના અંતે 5 લાખમાં ડીલ નક્કી થઈ હતી. જો કે, યુવકનો પરીવાર 5 લાખ રૂપિયા આપવા માટે તૈયાર ન હોય, તેમણે અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. તેમજ આજે આ લાંચની રકમ લેવા માટે એ.એસ.આઈ. ભરતગીરી ગૌસ્વામી પરીવાર પાસે તેમના ઘરે પહોંચ્યો હતો અને આ દરમિયાન એ.સી.બી.એ છટકુ ગોઠવી અને ભરતગીરીને 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચરોતર અને ખાસ કરીને નડિયાદ શહેર એન.આર.આઈ.નું હબ છે. તેમાંય ઉતરસંડા જેવુ ગામ ખૂબ મોટી સંખ્યામાં એન.આર.આઈ. સીટીઝન ધરાવે છે. આવા સમયે ચરોતરવાસીઓની વિદેશ જવા માટે પાસપોર્ટ કઢાવે અને તે દરમિયાન પોલીસ ક્લીયરન્સ સર્ટીફીકેટની જરૂર પડતી હોય છે અને તે સર્ટીફીકેટ આપવાની જગ્યાએ વર્ષોથી આ ભરતગીરી ગૌસ્વામી ચિટકી રહ્યો હતો અને આ એન.આર.આઈ.ને લૂંટવાનું કામ કરી રહ્યો હતો. ત્યારે વર્ષોથી એક જ જગ્યાએ રાખવા માટે ઉચ્ચ અધિકારીઓ રાજી કેમ હતા અને 40 લાખ જેટલી માતબર રકમની લાંચની માંગણી કરવી અને 5 લાખમાં સોદો નક્કી કરવો, તે આવા નાના કર્મચારી પોતાના જોખમે જ કરી હશે કે પછી અન્ય કોઈ ઉચ્ચ અધિકારીઓ આ રેકેટમાં શામેલ હશે, તે અંગે ઉંડાણપૂર્વક તપાસ થાય તેવી લાગણી પ્રસરી છે.

Most Popular

To Top