તાત્કાલિક સમારકામ કરવામાં માંગ; કાઉન્સિલરની આગેવાનીમાં રોષ વ્યક્ત કરાયો, જાનહાનિ થશે તો જવાબદારી કોણ?
વડોદરા: વડોદરા શહેરની રાજસ્તંભ સોસાયટીમાં વરસાદી કાંસનો સ્લેબ તૂટી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્લેબ તૂટવાથી બાળકો અને વાહનચાલકો માટે ગંભીર અકસ્માતનો ભય ઉભો થયો છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ સમસ્યા દર વર્ષે વરસાદી પાણી ભરાવા અને રોડના ગાબડાંથી વધી જાય છે, છતાં તંત્ર માત્ર અસ્થાયી થીંગડા મારતું રહ્યું છે, કાયમી ઉકેલ લાવતું નથી.

આ ઘટનાને પગલે કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વેની આગેવાનીમાં રહીશો અને સ્થાનિકોએ તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો અને જવાબદારી નક્કી કરવા માંગ કરી. લોકોનો સીધો સવાલ છે કે, જો જાનહાનિ થાય તો જવાબદાર કોણ રહેશે?

વડોદરામાં છેલ્લા કેટલાય વર્ષોથી વરસાદી પાણીના નિકાલ અને કાંસોની જાળવણીની સમસ્યા સતત ઉકેલાતી નથી. શહેરના અનેક વિસ્તારોમાં દર વર્ષે પાણી ભરાવા અને રસ્તા તૂટી જવાની ઘટનાઓ સામે આવે છે. નિષ્ણાતો અને પર્યાવરણવિદોનું પણ માનવું છે કે, કુદરતી પાણીના માર્ગો પર દબાણ અને યોગ્ય જાળવણીના અભાવે આવા સંકટ સર્જાય છે. સ્થાનિકો હવે તંત્ર પાસે માત્ર તાત્કાલિક સમારકામ નહીં, પરંતુ કાયમી ઉકેલ અને જવાબદારી નક્કી કરવા માંગ કરી રહ્યા છે.