નોટિસ આપ્યા છતા મકાન ઉતારવાની કાર્યવાહી ન થતાં અચાનક ધરાશાયી થવાનો બનાવ બન્યો, સદનસીબે જાનહાનિ ટળી; ફાયર બ્રિગેડે રસ્તો કર્યો બંધ




વડોદરા શહેરના હૃદયસ્થળ ગણાતા રાજમહેલ રોડ વિસ્તારમાં આવેલા ઊંટખાનાની ગલીમાં ગુરૂવારે બપોરે એક જૂના અને જર્જરિત મકાનનો ભાગ અચાનક ધરાશાયી થતાં વિસ્તારના રહેવાસીઓમાં ખળભળાટ મચી ગયો હતો. સદનસીબે મકાન ખાલી હોવાથી અને ઘટનાસ્થળ આસપાસ ગલીમાં કોઈ અવરજવર ન હોવાથી જાનહાનિ ટળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઊંટખાનાની ગલીમાં આવેલું મકાન વર્ષોથી ખાલી અને ધ્વસ્ત હાલતમાં હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ મકાનને જોખમી જાહેર કરી નોટિસ અપાઈ હતી, છતાં પણ પાલિકા દ્વારા મકાન ઉતારવાની કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરાઈ ન હતી. પરિણામે, દિવાલનો એક મોટો ભાગ અચાનક ધરાશાયી થયો અને રોડ પર ઈંટો તથા માટી ફેલાઈ ગઈ હતી.
ધરાશાયીની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે સલામતીના પગલા રૂપે સ્થળને બારિકેટ કરી રોડનો એક ભાગ બંધ કરી દીધો હતો જેથી કોઈ અકસ્માત ન બને. ઘટના બાદ તંત્રના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
આ ઘટના બાદ સ્થાનિક રહીશો અને વેપારીઓએ મહાનગરપાલિકા તંત્ર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે જોખમી મકાન અંગે વારંવાર અરજી કરવા છતાં પણ તંત્ર સમયસર પગલાં લેતું નથી. લોકોનું કહેવું છે કે જો આ મકાન ધરાશાયી થતી વખતે ગલીમાંથી કોઈ પસાર થતું હોત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકી હોત.
સ્થાનિક રહેવાસીઓ હવે માગ કરી રહ્યા છે કે વિસ્તારના તમામ જૂના અને ખસ્તાહાલ મકાનોની તાત્કાલિક તપાસ કરી, જીવલેણ ખતરો સર્જે તેવા મકાનો ઉતારવાની કાર્યવાહી કરી લોકોને સલામતી પૂરી પાડવામાં થાય.