Charotar

રાજકીય આકાઓએ પાળેલા મફાએ PSI પર ગાડી ચઢાવી

મફા ડોન અને તેના સાગરીતોએ ગાડી ચઢાવવાનો પ્રયાસ કરતા PSI ઘાયલ થયા

પોલીસ પર મફા ડોન અને તેના સાગરીતોએ હુમલો કર્યો

નડિયાદ | લીંબાસી પોલીસ સાથે અચાનક એવી ઘટના બની કે ખુદ પોલીસ જ હેબતાઈ ગઈ છે. કલેક્ટરના એક જાહેરનામાની અમલવારીના ભાગરૂપે રોડ પર વાહનોની અવર-જવર બંધ કરાવવા પહોંચેલી લીંબાસી પોલીસને થાર કાર લઈને આવેલા બે માથાભારે ઈસમોએ માથાકૂટ કરી અને આ થાર લીંબાસી પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઉપર ચઢાવી ભાગ્યા હતા. પોલીસે પીછો કરતા વાલોત્રી ગામ નજીક આ બે ઈસમોએ અને તેની સાથે આવેલા ટોળાએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. તેમજ ગર્ભિત ધમકી આપી અને ફરાર થઈ ગયા હતા. જે મામલે લિંબાસી પોલીસે ફરીયાદી બની બે જુદી જુદી ફરીયાદો નોંધી છે. જેમાં એકમાં રાયોટીંગ અને બીજીમાં જીવલેણ હુમલાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

લીંબાસી ચોકડીથી તારાપુર ચોકડી વચ્ચે તબક્કાવાર સીસી રોડની કામગીરી ચાલુ હોવાથી કલેકટર દ્વારા અહીંયા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો. સ્થાનિક લીંબાસી પોલીસના માણસો પરીએજ ગામના બસ સ્ટેન્ડ નજીક ગતરોજ સાંજે ટ્રાફિકની સમસ્યા નિવાર માટે ઉભા હતા. આ દરમિયાન  મફત વજાભાઇ ભરવાડ (રહે.વાલોત્રી, તા.માતર) નંબર વગરની થાર કાર લઈને આવ્યા હતા‌. આ કારમાં ગોવિંદ છગનભાઈ મારવાડી (રહે.તારાપુર, આણંદ) પણ હાજર હતા. આ મફત ભરવાડની કારને આગળ જતાં પોલીસે અટકાવી હતી. જેથી ચાલક મફતે કારમાંથી ઉતરી તમે કેમ મોટી ગાડીઓને જવા દેતા નહીં ? તેમ કહી અપશબ્દ કહ્યાં હતાં. જોકે, સામે પોલીસે કહ્યું કે, અહીંયા આગળ આરસીસી રોડ બને છે અને મોટા વાહનોની આવનજાવન પર પ્રતિબંધ છે. જે સંદર્ભે કલેકટરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. અમે અહીયા ટ્રાફિક નિયમનની ફરજ કરીએ છીએ. તેમ કહેતા આ માથાભારે મફત ભરવાડે સરકારી ફરજમાં રોકાવટ ઊભી કરી અન્ય બીજી કારવાળાઓને કહેતા હતા. આ ઘટનાની જાણ લીંબાસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ.દેસાઈને થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જે બાદ પણ આ થારના કાર ચાલક મફત ભરવાડ કારમાંથી નીચે નહીં ઉતરતા અને પોલીસને અપશબ્દ બોલતો હતો. આ ઉપરાંત બાજુની સીટ પર બેઠેલો ગોવિંદ છગન મારવાડી પણ ઉશ્કેરણી કરી કાર ચઢાવવા કહેતા હતા. આસપાસના ગ્રામજનો અને અન્ય વાહનચાલકોના પણ ટોળેટોળાં ભેગા થયા હતા.મફત ભરવાડ પણ વારે ઘડીએ કારને રેસ આપતો હતો. હાજર પોલીસ કર્મચારીઓએ સમય સૂચકતા દાખવી ઉપરોક્ત કારની હવા કાઢવાનો પણ પ્રયાસ પોલીસે કર્યો હતો. આમ છતાં માથાભારે મફત ભરવાડે પોતાનું વાહન પુર ઝડપે હંકારી પીએસઆઇ ઉપર ચઢાવી અને મારી નાખવાના ઇરાદે ગાડી ઉપર નાખી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત આજુબાજુમાં ઉભેલા લોકોને પણ ગાડી ચડાવી મારી નાખવાના પ્રયત્ન કર્યો હતો તેમજ એક ગાડીને નુકસાન પણ પહોંચ્યું હતું. આ બનાવમાં લીંબાસી પોલીસ મથકના પી.એસ.આઇ આર.એ. દેસાઈ ઈજાગ્રસ્ત થયા હતા. જે મામલે જીવલેણ હુમલો કરવા બદલ લિંબાસી મથકના કોન્સ્ટેબલ શકિલભાઈ વ્હોરાએ મફત ભરવાડ અને ગોવિંદ મારવાડી સામે જીવલેણ હુમલો કરવાની ફરીયાદ નોંધાવી છે.

પોલીસે પીછો કર્યો તો ખેતર તરફ લઈ જઈ એકસંપ થઈ હુમલો કર્યો

પોલીસ સબ ઈન્સપેક્ટર પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કરવામા આવ્યો, તે બાદ મફત ભરવાડ અને ગોવિંદ મારવાડી કાર લઈને ફરાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસે કારનો પીછો કર્યો હતો. મારી નાખવાના ઇરાદે ગાડી ચઢાવી તારાપુર તરફ ભાગેલા આ વ્યક્તિને પકડવા પોલીસની ગાડીઓ દોડી હતી. સાયલા પાટીયેથી પરીએજ, બામણગામ, દલોલી થઈ તારાપુર કાનાવાડા રોડ તરફ વાલોત્રી પાટીયા નજીક એક ખેતરમાં ઉતારી દીધી હતી. પોલીસના માણસો પણ પીછો કરતા કરતા ત્યાં પહોંચ્યા હતા. જ્યાંથી આ મફત વજાભાઇ ભરવાડ (રહે.વાલોત્રી, તા.માતર) અને ગોવિંદ છગનભાઈ મારવાડી (રહે.તારાપુર, આણંદ) પકડી લીધા હતા. આ દરમિયાન આ માથાભારે મફત ભરવાડે ફોન કરીને અન્ય લોકોને બોલાવ્યા હતા. જેથી 14 માણસોનું ટોળું મારક હથિયારો સાથે આવી ચઢ્યું હતું અને પોલીસ કર્મીઓ સાથે મારામરી કરી હતી. જેથી 3 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. અને પકડેલા બંને લોકોને પોલીસ પક્કડમાંથી છોડાવી આ લોકો ફરાર થયા હતા. જે મામલે પોલીસે રાયોટીગનો ગુનો નોંધી મફત વજાભાઇ ભરવાડ (રહે.વાલોત્રી, તા.માતર), ગોવિંદ છગનભાઈ મારવાડી (રહે.તારાપુર, આણંદ), કાર્તિક મફત ભરવાડ, ભનુ ગંદુ ભરવાડ, વિરમ વિક્રમ ભરવાડ, ભરત વિક્રમ ભરવાડ સહિત અન્ય લોકો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ તમામ આરોપીઓને પકડી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

Most Popular

To Top