વડોદરા : પુરના પ્રકોપ બાદ નેતાઓને કડવો અનુભવ,લોકોએ બેનર લગાવી નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદયો
નેતાઓને માણસાઈ ન સમજાય તો મતની કિંમત તો સમજાશે?
પૂરની સ્થિતિમાં મેયર, નગરસેવક, ધારાસભ્ય વિસ્તારમાં ફરકયા નહીં,હવે આવવાની પણ જરૂર નથી: સ્થાનિકો
( પ્રતિનિધિ ) વડોદરા,તા.3
વડોદરા શહેરમાં પડેલા ધોધમાર વરસાદમાં અનેક સોસાયટીમાં પાણી ભરાઈ જવાને કારણે 4 દિવસ સુધી રહીશો ફસાઈ પડયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં આવી જ પરિસ્થિતિ હતી. જેમાં ખોબે ખોબે મત મેળવનાર નેતાઓ પોતાના માનવંતા મતદારોની વ્હારે આવ્યા ન હતા.જેને લઈને પ્રચંડ બહુમતીથી જીતતા ભાજપના નેતાઓ માટે રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોનીના મતવિસ્તારમાં વોર્ડ 4 ન્યુ વીઆઇપી રોડ પર આવેલી સાઈદીપ સોસાયટીના રહીશોએ આજે સોસાયટી ગેટ પર નેતાઓના પ્રવેશ અંગે પ્રતિબંધનું બેનર લગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. દરજીપૂરા તરફથી આવતી વરસાદી કાંસમાં સાઇદીપ સોસાયટી નજીકના ભાગમાં સ્લેબ કરવામાં આવી રહ્યો છે જે વરસાદી કાંસમાં પાણી સાઈદીપ સોસાયટી સહિત આસપાસના અન્ય રહેણાંક વિસ્તારમાં ભરાઈ ગયા હતા.વરસાદી પાણીમાં 4 દિવસ અટવાઈ ગયેલા હજારો રહીશોની ઘરવખરી સહિતનો સામાન પાણીમાં પલળી જતા ભારે નુકશાન વેઠવું પડ્યું હતું. સંપર્કવિહોણી થયેલી સોસાયટીમાં પીવાનું શુદ્ધ પાણી,ભોજન કે ફૂડ પેકેટ પણ પહોંચ્યા ન હતા. એટલું જ નહીં કોઈ સ્થાનિક નગરસેવક મેયર પિન્કીબેન સોની કે,ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ સોસાયટીની મુલાકાતે આવ્યા નથી.પૂરના પાણી ઓસરી ગયા બાદ પણ ભાજપના કોઈ નેતા કે નગરસેવકોએ સોસાયટીની મુલાકાતે આવ્યા નથી. જે બુથ પરથી ભાજપને 80 થી 90 ટકા મત મળ્યાં છે એ બુથના મતદારો પાણીમાં હતા ત્યારે કોઈ નેતાઓએ મુલાકાત પણ કરી નથી.જેને લઈને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આજે સોસાયટીના રહીશોએ એકત્રિત થઈને મેઈન ગેટ પર નેતાઓના પ્રવેશ અંગે પ્રતિબંધ નું બોર્ડ મારી દીધું હતું. કોઈ પણ રાજકીય પાર્ટીન કોઈ નેતાએ કે કાર્યકરોએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ મારી દીધું હતું. આ સાથે રહીશોએ ચમકી ઉચ્ચારી હતી કે કોઈ નેતા સોસાયટીમાં આવશે તો જોવા જેવી થશે!