Vadodara

રાજકારણીઓને પ્રવેશબંધી, પૂરગ્રસ્ત બરોડિયન્સનો ગુસ્સો ફાટ્યો

વડોદરામાં આવેલા પૂરમાં મોઢા સંતાડનાર રાજકીય પાર્ટીઓને આવનારો સમય ભારે પડશે તેવા એંધાણ

વડોદરામાં પૂર વખતે મોઢા સંતાડનાર રાજકારણીઓ સામે પ્રવેશબંધીની શરૂઆત અકોટાથી થઈ છે અને શહેરના બીજા વિસ્તારના લોકોએ પણ પ્રવેશબંધી માટે મન બનાવી લીધું છે.
વડોદરામાં આવેલા પૂરે સમગ્ર શહેરને અસ્તવ્યસ્ત કરી દીધું.‌ અંદાજિત અબજો રૂપિયાનું નુકસાન વડોદરા શહેરમાં થયું હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે. શહેરનો કોઈ એવો વિસ્તાર બાકી નહીં રહ્યો હોય જ્યાં પૂરના પાણીએ અસર ન કરી હોય. ઉત્તર-પૂર્વ થી લઈને દક્ષિણ-પશ્ચિમ સુધી દરેક વિસ્તારમાં પૂરના પાણીએ પ્રવેશ કર્યો હતો. વેપારીઓનો માલ સામાન હોય કે પછી રહેણાંક મકાનોની ઘરવખરી હોય દરેક ચીજ વસ્તુઓને નુકસાન થવા પામ્યું હતું. અને તેવામાં રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના કામ બતાવવા માટે અને ફોટા પડાવવા માટે સેવાનું કામ કરવામાં આવ્યું હતું. પૂરના સમયે ઘણા રાજકીય પાર્ટીના નેતાઓ ફક્ત ફોટા પડાવવા માટે લોકોની વચ્ચે જઈ રહ્યા હતા પરંતુ ખરેખર જ્યાં તેમની મદદની જરૂર હતી ત્યાં તેઓ પહોંચ્યા ન હતા.

વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને કારણે સમગ્ર શહેરના નાગરિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અને લોકો રાજકારણીઓને તેનો જવાબદાર માને છે. અને તે જ કારણે વડોદરા શહેરની પ્રણામ સોસાયટીઓમાં લોકો દ્વારા રાજકીય પાર્ટીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. શહેરના અકોટા વિસ્તારમાં પરસોત્તમ નગર સોસાયટીના રહીશો દ્વારા રાજકીય પાર્ટીઓનો વિરોધ દર્શાવતું એક બેનર સોસાયટીના ગેટ પર લગાવવામાં આવ્યું છે. જેમાં તેમણે સ્પષ્ટપણે લખ્યું છે કે “આ સોસાયટીમાં કોઈપણ રાજકીય પાર્ટીના નેતા કે કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં.” વગર ચૂંટણીએ આ પ્રકારના બેનર જોઈને તેવું લાગી આવે છે કે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને કારણે શહેરના નાગરિકોમાં રાજકીય પાર્ટીઓ વિરુદ્ધ ખૂબ જ રોષ છે અને આવનારી ચૂંટણીઓમાં ક્યાંક ને ક્યાંક તેની અસર પણ જોવા મળશે અને કોઈ નવા જૂની થાય તો નવાઈ નહીં.

Most Popular

To Top