Business

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ધો.1માં પ્રવેશની જાહેરાત

તા. 4 એપ્રિલ થી તા. 17 દરમિયાન ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકાશે

​શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ કેટેગરીમાં પ્રવેશની ફાળવણી કરાશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.25

શિક્ષણના અધિકાર રાઈટ ટુ એજ્યુકેન કાયદા હેઠળ આર્થિક રીતે નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ અપાવવા માટે વડોદરામાં વહીવટી પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બને તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

વાલીઓને ઓનલાઇન ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શન કેન્દ્ર અને હેલ્પલાઇન નંબર પણ કાર્યરત કરવામાં આવ્યા છે. ​આ યોજના અંતર્ગત વિવિધ કેટેગરીમાં આવતા બાળકોને પ્રવેશ માટે પાત્ર ગણવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને અનાથ બાળકો, સંરક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો, બાળગૃહના બાળકો તેમજ બાળમજૂરો કે સ્થળાંતરિત મજૂરના બાળકોને અગ્રતા આપવામાં આવશે. આ ઉપરાંત, મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી કે એટીઆર જેવી ગંભીર બીમારી ધરાવતા બાળકો અને દેશની રક્ષા કાજે શહીદ થયેલા લશ્કરી કે અર્ધલશ્કરી દળના જવાનોના સંતાનોને પણ આ યોજનાનો સીધો લાભ મળશે. ​વાલીઓએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ખાસ તકેદારી રાખવાની રહેશે. જરૂરી દસ્તાવેજોમાં બાળકનું જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો જેમાં રજિસ્ટર્ડ ભાડા કરાર પણ માન્ય ગણાશે, જાતિનો દાખલો અને આવકનો દાખલો મુખ્ય છે. આ સાથે માતા-પિતાનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહીનો નમૂનો અપલોડ કરવાનો રહેશે. જો વાલી આવકવેરો ભરતા હોય, તો તેમણે છેલ્લા વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન રજૂ કરવું પડશે, અન્યથા સેલ્ફ ડિક્લેરેશન આપવાનું રહેશે. ગત વર્ષે જિલ્લામાં કુલ 4,762 વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપીને તેમના શિક્ષણનું સપનું સાકાર કરવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે આ પ્રવેશ માત્ર સ્ટેટ બોર્ડની શાળાઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ શહેરની પ્રતિષ્ઠિત સીબીએસઈ અને આઈબી બોર્ડની શાળાઓમાં પણ નિયમ મુજબ બાળકોને પ્રવેશ ફાળવવામાં આવે છે. શિક્ષણ વિભાગે તમામ વાલીઓને અપીલ કરી છે કે તેઓ સમયમર્યાદામાં જરૂરી પુરાવાઓ એકત્ર કરી ઓનલાઇન અરજી પૂર્ણ કરે.

ફોર્મ ભરવામાં મદદ માટે વિશેષ હેલ્પલાઇન નંબર 0265-2461703 જાહેર :

​ઓનલાઇન ફોર્મ ભરવામાં, દસ્તાવેજોની પૂર્તતા કરવામાં અથવા પ્રવેશ પ્રક્રિયાના કોઈ પણ તબક્કે મુશ્કેલી જણાય, તો ગભરાવાની જરૂર નથી. શિક્ષણ વિભાગ દ્વારા ખાસ માર્ગદર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વાલીઓ ઓફિસ સમય દરમિયાન શિક્ષણ વિભાગના લેન્ડલાઇન નંબર 0265-2461703 પર કોલ કરીને નિષ્ણાતોની સલાહ મેળવી શકે છે. બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે વહેલી તકે ફોર્મ ભરી શિક્ષણના આ અધિકારનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.

Most Popular

To Top