9 કરોડના ખર્ચ પછી પણ નબળું કામ? શહેરના નાગરિકોમાં રોષ
દિવાળીપુરા વિસ્તારમાં હેવમોરથી ઘડિયાળ સર્કલ સુધીના નવા બનેલા રસ્તે વાહનચાલકો માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે. અંદાજિત 9 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ રોડ પર ગરમી વધતા જ ડામર પીગળી રહ્યું છે જેના કારણે વાહનના ટાયર રસ્તા પર ચોંટી રહ્યા છે. શહેરના નાગરિકો અને વાહનચાલકો માટે આ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. પાલિકાના રોડ વિભાગના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે જો ડામર સારો ઉપયોગ થયો હોય, તો આવા પટ્ટા દેખાવા સામાન્ય બાબત છે. જો અધિકારીઓની આ વાત સાચી માનીયે તો પણ, આ જ રોડ પર એક તરફ ડામર પીગળતું જોવા મળી રહ્યું છે, જ્યારે બીજી તરફ કોઈ સમસ્યા નથી. આથી, ચોક્કસપણે રોડ બાંધવામાં બેદરકારી રાખવામાં આવી હોવાનું સ્પષ્ટ થાય છે.
નિયમ મુજબ જ્યાં નવીન રોડની કામગીરી ચાલતી હોય ત્યાં કામની કિંમત, સમયગાળો અને સામગ્રી અંગેની માહિતી દર્શાવતા બોર્ડ લગાવવાં જરૂરી છે. પરંતુ, આ રોડ પર કોઈપણ બોર્ડ જોવા મળતા નથી, જે કામમાં પારદર્શિતા ન હોવાનો સંકેત આપે છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે અને તાપમાન માત્ર 35 ડિગ્રી આસપાસ છે, ત્યારે જ રસ્તા પર ડામર ઓગળી રહ્યું છે. આવો રોડ ઉનાળાની ચરમસીમા પર કેવી સ્થિતિમાં હશે? જેમ જેમ તાપમાન વધશે, તેટલી જ સમસ્યા ઊભી થવાની શક્યતા છે. આ કામમાં થતી બેદરકારી સામે યોગ્ય તપાસ અને કાર્યવાહી થવી જોઈએ. નહીં તો હાલ વાહનચાલકો માટે મુશ્કેલી છે, તે આવનારા સમયમાં ગંભીર અકસ્માતોનું કારણ બની શકે છે. શહેરના નાગરિકો હવે પાલિકાની કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે.
