▶ ગુપ્ત ભોંયરું બનાવી દારૂનો સંગ્રહ
ડભોઈ તાલુકાના અરણીયા ગામમાં બુટલેગરે ગેરકાયદે દારૂ છુપાવવા માટે અતિચતુર રીત અપનાવી હતી. ઘરના રસોડામાં ગેસ સિલિન્ડરની ટાઇલ્સની નીચે અંડરગ્રાઉન્ડ ગુપ્ત ભોંયરું બનાવી તેમાં વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો સંતાડ્યો હતો.
▶ ગ્રામ્ય એલસીબીની અચાનક રેડ
દારૂના વેપાર અંગે બાતમી મળતા વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે 14 ડિસેમ્બરે અરણીયા ગામે તાત્કાલિક રેડ કરી. આરોપી બુટલેગર સ્થળ પર હાજર ન હતો, પરંતુ ઘરની તલાશી દરમિયાન રસોડાના ભાગે શંકાસ્પદ ગોઠવણી જોવા મળી
▶ ટાઇલ્સ હટાવતા પોલીસ પણ ચોંકી ઉઠી
ગેસ સિલિન્ડરની ટાઇલ્સ હટાવતા જ નીચે ગુપ્ત ભોંયરું મળી આવ્યું. એલસીબીની ટીમે સીડી દ્વારા ભોંયરામાં ઉતરી તપાસ કરતા અંદરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો, જેને જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી.

▶ રૂ. 3.31 લાખનો દારૂ-બિયરનો જથ્થો જપ્ત
પોલીસે ભોંયરામાંથી કુલ રૂ. 3.31 લાખ કિંમતનો વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યો. સમગ્ર મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે ડભોઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

▶ બુટલેગર વોન્ટેડ જાહેર
આ કાર્યવાહી દરમિયાન આરોપી દિનેશ ઉર્ફે પકો શનાભાઈ બારીયા (રહે. અરણીયા, તા. ડભોઈ, જિ. વડોદરા) ઘરે હાજર ન મળતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તેની ધરપકડ માટે શોધખોળ ચાલુ છે.

▶ ઓપરેશન પરાક્રમ હેઠળ કડક કાર્યવાહી
31 ડિસેમ્બર તથા ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા ગેરકાયદે વિદેશી દારૂ, પેડલરો અને કરિયરો સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પીઆઈ કે.આર. સિસોદીયાની સૂચનાથી એલસીબી ટીમ દારૂની હેરાફેરી અને વેચાણ પર કડક નજર રાખી રહી છે.