Vadodara

રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓનો પ્રાથમિક સુવિધાના અભાવ સામે વિરોધ

શાકભાજી સહિતની ખાદ્ય સામગ્રી ખુલ્લામાં મૂકી દેવાતા જીવ જંતુઓનો અડિંગો

વિદ્યાર્થીઓએ એકત્ર થઈ મેનેજમેન્ટ સામે બાંયો ચડાવી કાર્યવાહીની માંગ કરી :


( પ્રતિનિધિ )વડોદરા,તા.27

વડોદરા શહેરના તરસાલી બાયપાસ પાસે આવેલા પૂજ્ય રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં રહેતા અને જુદા જુદા શૈક્ષણિક સંકુલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રાથમિક સુવિધાના અભાવે નર્કાગારભરી પરિસ્થિતિમાં મૂકાયા છે. ત્યારે, યોગ્ય સુવિધાઓ આપવામાં નહીં આવતી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ એકત્ર થઈ મેનેજમેન્ટ સામે નારાજગી દર્શાવી હતી.

તરસાલી બાયપાસ હાઈવે પર પૂજ્ય રવિશંકર મહારાજ કુમાર છાત્રાલય આવેલું છે. જેમાં સમગ્ર રાજ્યભરના જુદાજુદા જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ આ હોસ્ટેલમાં રહી શહેરની એમએસયુ સહિતની અન્ય કોલેજોમાં અભ્યાસ કરે છે. હાલ આ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને જમવાનું બરાબર આપવામાં આવતું નથી. પાણી , વીજળી સ્વચ્છતાનો અભાવ હોવાના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા હતા.

વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ સરકારી છાત્રાલય છે. અમે બધા વિદ્યાર્થીઓ અહીંયા રહીએ છીએ. હોસ્ટેલમાં જોઈએ એવું મેનેજમેન્ટ નથી. વોર્ડન કે કોઈ અધિકારી પણ હાજર નથી. જમવા માટેની અમને મોટી સમસ્યા છે. એના માટે અમે વાત કરી હતી. છેલ્લા ત્રણ ચાર દિવસથી અમને સરખું જમવાનું આપવામાં આવતું નથી. અમારા ફોન પણ કોઈ ઉપાડતુ નથી. હોસ્ટેલમાં કોન્ટ્રાક્ટ પ્રથા છે. કોન્ટ્રાક્ટરને ફોન કર્યો તો એ અમને ઉડાઉ જવાબ આપી રહ્યો છે.

અહીંના જે સંચાલક છે એમને ફોન કર્યો તો એમનું કહેવું એવું છે કે અમે તમને રહેવા દઈએ છીએ એ જ મોટી વસ્તુ છે. જાણે એમણે અમારી પર ઉપકાર કર્યો હોય તેવો જવાબ આપ્યો હતો. હાલમાં 70 થી 80 જેટલા વિદ્યાર્થીઓ અમે રહીએ છીએ. 77 થી 80 રૂપિયામાં એક વિદ્યાર્થી દીઠ ભોજન આપવામાં આવે છે. જમવા માટે ડીશો નથી આપતા, ગાદલા નથી, સ્વચ્છતાનો પણ અભાવ છે.

અમે ત્રણ વર્ષથી અહીંયા રહીએ છીએ કોઈ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી. શાકભાજી , મરચું મસાલા ખુલ્લામાં મૂકી દેવાયા છે. ખાંડમાં પણ કીડીઓ , અને શાકભાજીમાં વંદા ફરી રહ્યા છે. જે મેનુ રાખવામાં આવેલું છે, એ મુજબ અમને જમવાનું આપવામાં આવતું નથી. ગેસ ખલાસ થઈ જતા બહાર ચૂલામાં કઢી ખીચડી બનાવી એ પણ જ્યાં ગંદા પાણી વહી રહ્યા છે, એ જગ્યા પર જમવાનું બનાવ્યું. મોડી રાત થઈ ગઈ પણ અમે જમ્યા નથી.

વિદ્યાર્થીઓએ ઉગ્ર સુત્રોચાર કરી ભોજનની ગુણવત્તા સુધારવામાં આવે, સ્વચ્છતા જાળવવા સહિત પ્રાથમિક સવલતો પુરી પાડવામાં આવે તેવી માંગણી કરી હતી.

Most Popular

To Top