Vadodara

રફતારનો કહેર, તુલીધામ ચાર રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત, એક યુવકનું ઘટનાસ્થળે કરૂણ મોત

બાઈક પર સવાર ત્રણ મિત્રો કાર સાથે ભટકાયા, બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં સારવાર હેઠળ

(પ્રતિનિધિ), વડોદરા. તા.18

વડોદરા શહેરમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યા અને પૂરફાટ ઝડપે દોડતા વાહનો વધુ એકવાર નિર્દોષ જીવ માટે કાળ સાબિત થયા છે. શહેરના તુલીધામ ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે રફતારના કહેરે એક યુવાનનો ભોગ લીધો છે. પૂરફાટ ઝડપે આવી રહેલા એક બાઈક ચાલકે કાર સાથે જોરદાર ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ યુવકો પૈકી એકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે મિત્રોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી વિગતો અનુસાર, આજે વડોદરાના તુલીધામ ચાર રસ્તા પાસે ટ્રાફિકની અવરજવર વચ્ચે એક બાઈક અત્યંત પૂરફાટ ઝડપે આવી રહી હતી. આ બાઈક પર ત્રણ યુવકો સવાર હતા. રસ્તા પરથી પસાર થઈ રહેલી એક કાર સાથે બાઈક ચાલકે નિયંત્રણ ગુમાવતા બાઈક ધડાકાભેર કારના પાછળના ભાગે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર ત્રણેય યુવકો હવામાં ફંગોળાયા હતા. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાઈક સવાર ત્રણ યુવકો પૈકી એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. મૃતક બાળક 15 વર્ષીય અને દંતેશ્વર વિસ્તારમાં આવેલ વિષ્ણુનગરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોહીલુહાણ હાલતમાં પડેલા અન્ય બે યુવકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે તુલીધામ ચાર રસ્તા પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાઈક પર ત્રણ સવારી હોવાથી અને ગતિ મર્યાદા કરતા વધુ ઝડપ હોવાને કારણે ચાલક બાઈક પર કાબૂ મેળવી શક્યો ન હતો. પોલીસે કાર ચાલક અને બાઈક સવારોની વિગતો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના માર્ગો પર વધતી જતી ઝડપ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન યુવાધનને કાળના મુખમાં ધકેલી રહ્યું છે. હેલ્મેટ વગર અને ત્રણ સવારીમાં વાહન ચલાવવું જોખમી સાબિત થઈ રહ્યું છે.

Most Popular

To Top