Charotar

રતનપુરમાં અધિકારીઓના ધામા, 6 ટેન્કરથી પાણી વિતરણ

રતનપુરમાં રોગચાળાના ચોથા દિવસે 100 થી વધુ કેસો જોવા મળ્યા. પાઈપલાઈનથી પાણી વિતરણ બંધ કરાયું 

ગામની શાળામાં શરૂ સારવાર કેન્દ્ર ખાતે બુધવારે 129 ઓપીડી નોંધાઈ હતી.38 દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા 

(પ્રતિનિધિ) માતર તા 19

માતર તાલુકાના રતનપુર ગામમાં છેલ્લા ચાર દિવસથી ઝાડા ઉલટી કેસોની વધતી સંખ્યા પગલે તંત્ર દોડતું થઇ ગયું છે. રોગચાળાની ઝપટમાં આવેલા તમામને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગામની પ્રાથમિક શાળામાં જ ખાસ સારવાર સેન્ટર પર જરૂરી દવાઓ અને વ્યવસ્થા સાથે આરોગ્ય તંત્ર ખડેપગે રહીને રોગચાળો નિયંત્રણ કરવા માટે કાર્યરત છે. ઉચ્ચ કક્ષાએથી આદેશો છુટયા બાદ ગ્રામ પંચાયત દ્વારા લીકેજ સમારકામ માટે તાબડતોબ કામગીરી કરવામાં આવી છે. તો બીજી તરફ રતનપુર ખાતે ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો થયેલ છે. બુધવારે ગાંધીનગરથી રોગચાળા નિયંત્રણ નિયામક સહિતની ટીમે રતનપુર પહોંચી ગામમાં રોગચાળાની સ્થિતિ બાબતે જાણકારી મેળવી તાત્કાલિક ધોરણે રતનપુર ગામની વર્તમાન રોગચાળાની સ્થિતિ પર કાબૂ મેળવવા મેળવી શકાય તે માટે જરૂરી તમામ કાર્યવાહી તાત્કાલિક કરવા માટે આદેશ કર્યો હતો.

રતનપુરમાં છેલ્લા ચાર દિવસથી રોગચાળો વકરતાં તાલુકા જીલ્લા તેમજ રાજ્ય કક્ષાના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા છે. બુધવારે ગાંધીનગરથી નાયબ નિયામક,રાજ્ય રોગચાળા નિયંત્રણ અધિકારીની સાથે જિલ્લા વિસ્તરણ અધિકારી રતનપુર અને ખેડા સિવિલની મુલાકાત લીધી હતી 

 રતનપુર ગામમાં છેલ્લા ચાર દિવસથી ઝાડા ઉલટીના વાવડથી ઘેર ઘેર કેસો મળી આવ્યા છે. ગામની શાળામાં જ્યાં સબ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે તે સેન્ટર પર બુધવારે 129 ઓપીડી નોંધાઈ હતી.જેમાં શાળામાં જ 38 દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા. અન્ય 9 દર્દીને વધુ સારવાર માટે ખેડા સિવિલમાં રીફર કરવામાં આવ્યા હતા.

હાલમાં પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘેર ઘેર સર્વેની કામગીરી ચાલુ છે. નાયબ નિયામક ગુજરાત રાજ્ય રોગચાળા નિયંત્રણ અધિકારીએ મુલાકાત લીધી હતી. અને તેમને જણાવ્યું હતું કે જેમના પરિવારમાં ઝાડા ઉલટીના કેસ થયા છે.અને તેમના પરિવારમાં બીજા કોઈને અસર ન હોય તો પણ તેમને દવા વિતરણ કરવાં જણાવ્યું હતું તેમની સાથે જિલ્લાના અધિકારી સાથે રહ્યા હતા.

Most Popular

To Top