ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં, નવો બનેલો બ્રિજ પણ નબળો સાબિત થતા વાહન વ્યવહાર પર પ્રતિબંધ, ઉદ્યોગકારોમાં રોષ
વડોદરા: વડોદરા જિલ્લાના રણોલી રેલવે ઓવરબ્રિજને લઈને ફરી એકવાર તંત્રની કામગીરી અને બ્રિજોની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. માત્ર બે વર્ષ પહેલાં, 20 મે 2023ના રોજ આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજનો એક ભાગ 2017માં તૂટી પડ્યો હતો, જેનું સમારકામ લગભગ છ વર્ષ બાદ પૂર્ણ થયું હતું. લોકાર્પણ બાદ માત્ર 6 જુલાઈ 2023એ જ બ્રિજ પર મોટા ગાબડાં પડ્યા હતા, છતાં તંત્રે તેને ભારદારી વાહનો માટે ખુલ્લો રાખ્યો હતો.
9 જુલાઈ 2025ના રોજ વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતા અનેક લોકોના મોત થયા અને રાજ્યભરમાં બ્રિજોની સુરક્ષા અને મજબૂતી અંગે ચિંતાઓ ઉઠી. આ દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું અને રાજ્યભરના નબળા બ્રિજ પર ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું બહાર પાડ્યું. તેમાં રણોલી બ્રિજ પણ સામેલ છે, જ્યાં હવે ભારદારી વાહનો માટે અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
આ નિર્ણયથી જીલ્લાના મોટા ઉદ્યોગો, ખાસ કરીને GACL, BPCL, રિલાયન્સ અને નંદેસરી તરફના ઉદ્યોગોને હાઇવે કનેક્ટિવિટીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેને લઈને ઉદ્યોગકારોમાં પણ તંત્રની કામગીરી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે બ્રિજના ગુણવત્તા અને જાળવણી અંગે અનેકવાર રજૂઆતો છતાં યોગ્ય પગલાં લેવાતા નથી.
છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં 17થી વધુ બ્રિજ ધરાશાયી થયા છે, જેમાં અનેક લોકોના મોત થયા છે અને વિકાસના દાવાઓ સામે તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો ઊભા થયા છે. ખાસ કરીને નવા બનેલા અથવા તાજેતરમાં સમારકામ થયેલા બ્રિજ પણ ટૂંકા ગાળામાં જ તૂટી પડતા હોવાના અનેક ઉદાહરણો સામે આવ્યા છે.
આ સમગ્ર ઘટનાક્રમ રાજ્યના માર્ગ અને મકાન વિભાગની કામગીરી, બ્રિજોની ગુણવત્તા અને જાળવણીની પ્રક્રિયા, તેમજ પ્રજાની સુરક્ષા માટે તંત્રની જવાબદારી સામે મોટો પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. “દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીવે” જેવી કહેવત આજની પરિસ્થિતિમાં સંપૂર્ણ રીતે લાગુ પડે છે. હવે તંત્રે માત્ર દુર્ઘટના બાદ જ નહીં, પણ સમયસર અને નિયમિત રીતે બ્રિજોની ચકાસણી અને જાળવણી કરવાની તાતી જરૂરિયાત છે.