કંપની બંધ કરાવવાની અને જાનથી મારી નાખવાની ધમકી, અગાઉ રૂ. 19.07 લાખ બળજબરીથી પડાવ્યાનો આક્ષેપ
પ્રતિનિધિ, વડોદરા | તા. 17
રણોલી ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં નોકરીમાંથી છૂટા કરાયા બાદ અદાવત રાખી પૂર્વ મહિલા સરપંચના પતિ અને તેમના ભાઈએ કંપની પાસેથી રૂ. 50 લાખની ખંડણી માગ્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. રૂપિયા નહીં આપતા કંપની બંધ કરાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી ગુલમહોર વેસ્ટ નારાયણ ગાર્ડન સોસાયટીમાં રહેતા યોગેશચંદ્ર વિપાપ્રસાદ દુબેએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ રણોલી સ્થિત જયંત એગ્રો ઓર્ગેનિક્સ લિમિટેડ કંપનીમાં હેડ – કોર્પોરેટ અફેર્સ તરીકે ફરજ બજાવે છે.
ફરિયાદ અનુસાર, રણોલીના મીનેશ જયંતીલાલ પટેલ વર્ષ 1996થી કંપનીમાં લેબ બોય તરીકે નોકરી કરતો હતો. લેબ બોય તરીકે તેનું કામ સેમ્પલ લાવવું, ચેકિંગ માટે આપવું અને વાસણોની સફાઈ કરવાનું હતું.
વર્ષ 2025 દરમિયાન ધ્યાનમાં આવ્યું કે મીનેશ પટેલ નિયમિત નોકરીએ આવતો નહોતો અને ગેરહાજર રહી પગાર મેળવી રહ્યો હતો. તે અંગે તત્કાલીન સિનિયર મેનેજર નરોત્તમભાઈ માંગલિયાને પૂછતાં જણાવ્યું હતું કે આરોપી રાજકીય વગ ધરાવે છે અને પગાર બંધ કરાશે તો ઉપદ્રવ મચાવી કંપની બંધ કરાવવાની ધમકી આપે છે.
ડિસેમ્બર 2023માં પગાર રોકાતા મીનેશ પટેલે ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. જાન્યુઆરી 2024થી મેનેજમેન્ટને જાણ કર્યા વગર પગાર ચૂકવવામાં આવ્યો હતો.
ફરિયાદ મુજબ, મીનેશ પટેલે જાન્યુઆરી 2022થી નવેમ્બર 2023 સુધી રૂ. 10.24 લાખ અને જાન્યુઆરી 2024થી ઓગસ્ટ 2025 સુધી રૂ. 8.83 લાખ એમ કુલ રૂ. 19.07 લાખ બળજબરીથી ધમકીઓ આપી કંપની પાસેથી પડાવી લીધા હતા.
આ ઉપરાંત મીનેશ પટેલ અને તેના ભાઈ જયેશ પટેલે કંપનીના અધિકારીઓને ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપી રૂ. 50 લાખની ખંડણી માગી હતી. રૂપિયા નહીં આપતા કંપની બંધ કરાવવાની તેમજ ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી હતી.
આ મામલે કંપનીના માલિકોને જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંને ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કર્મચારીઓને સોનું-રૂપિયા આપ્યાનો ખોટો આક્ષેપ કરી ધમકી
ફરિયાદ મુજબ, મીનેશ પટેલ અને જયેશ પટેલે કંપનીના સંજયભાઈનો ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું. ત્યારબાદ અન્ય વ્યક્તિઓના મોબાઇલ પરથી ફોન કરી સંજયભાઈને સંપર્ક કરવા દબાણ કર્યું હતું.
સંજયભાઈએ સંપર્ક કરતા મીનેશ પટેલે ગાળો બોલી પોતાના ગુનાને છુપાવવા માટે ખોટો આક્ષેપ કર્યો કે કંપનીએ તેમને સોનું અને રૂપિયા આપ્યા છે. તેમજ તે રકમ પરત આપવાની માગણી કરી હતી.
આ ઉપરાંત મીડિયાને લઈને કંપની પર ચઢાઈ કરવાની અને બહારથી લોકો બોલાવી જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.