આડેધડ પાર્ક થતા ભારદારી વાહનો અને રોંગ સાઈડ દોડતા ટ્રકો સામે કડક કાર્યવાહીની માંગ
(પ્રતિનિધિ), વડોદરા | તા. 7
વડોદરા જિલ્લાના રણોલી વિસ્તારમાં GSFC પ્લાન્ટ તરફ જતા મુખ્ય રસ્તાઓ પર ઓવરલોડેડ મીઠાના ટ્રકો હવે જાહેર સુરક્ષા માટે ગંભીર ખતરો બની રહ્યા છે. ટ્રકોમાંથી સતત છલકાતું મીઠું રસ્તા પર ફેલાતા માર્ગો લપસણાં બની જાય છે, જેના કારણે ખાસ કરીને બે-વ્હીલર ચાલકો માટે અકસ્માતનો ભય વધી ગયો છે.

નંદેસરી, રણોલી, દશરથ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રસ્તા પર પડતા મીઠાના કારણે રોજબરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. છતાં હજુ સુધી કોઈ કાયમી અને અસરકારક પગલા લેવામાં ન આવતા નાગરિકોમાં અસંતોષ ફેલાયો છે.

ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે હાઈવે પોલીસ અથવા RTO દ્વારા ચેકિંગ શરૂ થાય છે ત્યારે આ ઓવરલોડેડ ટ્રકો અચાનક નજરમાંથી ગાયબ થઈ જાય છે, જ્યારે સામાન્ય દિવસોમાં આ જ વાહનો બેફામ ઝડપે દોડતા જોવા મળે છે. જેના કારણે ટ્રાન્સપોર્ટર્સ અને સંબંધિત તંત્ર વચ્ચે ગોઠવણ હોવાની શંકા પણ ઉઠી રહી છે.

વિસ્તારના જાગૃત નાગરિક હિતેન મકવાણાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં રોડ સેફ્ટીની ચર્ચાઓ તો થાય છે, પરંતુ હકીકતમાં હેવી વ્હીકલ્સ, બસો અને અન્ય ભારદારી વાહનોની બેદરકારીને કારણે અકસ્માતો સતત થાય છે. હાઈવે પર આડેધડ પાર્ક થતા વાહનોને ડિટેન કરવામાં આવે તો જ લોકોમાં શિસ્ત આવશે, ખાસ કરીને સાંજના સમયે જ્યારે ગ્રામ્ય વિસ્તારના કામદારો નોકરી પરથી ઘરે પરત ફરે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે GSFC સામે સાંજે પાંચ વાગ્યે કંપનીઓ છૂટતી વખતે ભારે ટ્રાફિક જામ સર્જાય છે. નંદેસરી, રણોલી અને સાંકરદા જેવી મોટી GIDC વિસ્તારોમાંથી કામદારો બહાર નીકળે ત્યારે પાંચથી છ વાગ્યાનો સમય અત્યંત જોખમી બની જાય છે. આ દરમિયાન પૂરતી ટ્રાફિક પોલીસ હાજરી ન હોવી અને કેટલાક વાહનચાલકો દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરવાથી અકસ્માતની સંભાવના અનેકગણી વધી જાય છે.
સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે કે ઓવરલોડેડ ટ્રકો, રોંગ સાઈડ ડ્રાઈવિંગ અને હાઈવે પર ગેરકાયદેસર પાર્કિંગ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના બનતા પહેલાં માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.