પાલિકાની કાર્યવાહી સામે હોબાળો, નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
(પ્રતિનિધિ) વડોદરા | તા. 24
વડોદરા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે, ત્યારે પાલિકાની ઢોર પકડ કામગીરીમાં અડચણ ઊભી કરનાર પશુપાલકો સામે હવે કાયદાનો દંડો ઉગમ્યો છે. નવાપુરા વિસ્તારમાંથી રખડતી બે ગાયો પકડવાના મુદ્દે પાલિકાએ બે પશુપાલકો સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મામલો ગરમાયો છે.
“દૂધ આપણું, રસ્તો લોકોનો” માનસિકતા બની જીવલેણ
શહેરમાં અનેક પશુપાલકો સવાર-સાંજ દોહી લીધા બાદ પોતાની ગાયોને રસ્તા પર રખડતી મૂકી દે છે. “દૂધ આપણું અને પશુ રોડનું” જેવી બેદરકાર માનસિકતા હવે નિર્દોષ નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. રસ્તા પર અડિંગો જમાવીને બેસતા પશુઓને કારણે વારંવાર ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેમાં અત્યાર સુધી અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે અથવા કાયમી અપંગતા ભોગવવાનો વારો આવ્યો છે.
ઢોર પાર્ટીની કાર્યવાહી, પશુપાલકોનો હોબાળો
ત્રણ દિવસ અગાઉ વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીએ નવાપુરા વિસ્તારમાં એસ.એસ.સી.ની જૂની ઓફિસ પાસે રસ્તા પર રખડતી બે ગાયોને પકડી લાલબાગ સ્થિત ઢોર ડબ્બામાં મોકલી દીધી હતી. આ કાર્યવાહી બાદ ગાયોના માલિક રબારી ભાવેશ હસમુખભાઈ (રહે. રબારીવાસ, ખડેરાવ મંદિર પાછળ, નવાપુરા) આધાર પુરાવા સાથે પાલિકા કચેરીએ ગાયોને છોડાવવા માટે પહોંચ્યા હતા.
પાલિકાનો આક્ષેપ : ફરી રસ્તા પર છોડી દેવાની નીતિ
પાલિકા તંત્રના કેટલ પોન્ડ સુપરવાઇઝર વિજય પંચાલે ફરિયાદમાં જણાવ્યું છે કે, પશુપાલકો દ્વારા ગાયોને ફરીથી રસ્તા પર રખડતી મૂકવાની પ્રવૃત્તિ સતત ચાલી રહી છે, જેના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિ ભોગ બને તેવી પૂરી શક્યતા રહે છે. પાલિકાની ફરજમાં અડચણ ઊભી કરવાના પ્રયાસ અને જાહેર સલામતીને જોખમમાં મૂકવાના આરોપ સાથે નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પાલિકાનું કડક વલણ, વધુ કાર્યવાહી સંભવ
નવાપુરા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. પાલિકા તંત્રએ પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, રખડતા ઢોર મુદ્દે હવે કોઈ સમાધાન નહીં થાય. જાહેર માર્ગ પર પશુ છોડનાર પશુપાલકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
શહેરવાસીઓમાં પણ માંગ ઉઠી રહી છે કે, રખડતા ઢોરના મુદ્દે કડક પગલાં લઈ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.