Vadodara

રખડતા ઢોરની સમસ્યા હલ કરવા વડોદરા કોર્પોરેશન રૂ. 22.50 કરોડનો ખર્ચે કરશે




મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રખડતાં ઢોર નિયંત્રણ માટે ગ્રાન્ટની સમયાંતરે ફાળવણી કરવામાં આવે છે. જેમાં વડોદરા કોર્પોરેશનને 11 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી ઢોર ડબ્બાને લગતી કામગીરી માટે 22.50 કરોડના આંતરમાળખાકીય કામો કરવામાં આવશે. કોર્પોરેશનની તારીખ 18 ના રોજ મળનાર જનરલ બોર્ડની મીટીંગમાં આ અંગેની દરખાસ્ત મંજૂરી માટે મૂકવામાં આવી છે.

રાજ્ય સરકારની ગ્રાન્ટ અંગેની ફાળવણી સંદર્ભે પ્રોજેકટ/ઝોન કક્ષાએથી સુચવેલ કામોનો સમાવેશ કરી સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી મેળવ્યા બાદ કામોની દરખાસ્ત સરકાર સમક્ષ રજુ કરવાની છે. સ્ટેન્ડિંગની મંજૂરી બાદ જનરલ બોર્ડની મંજૂરી મળે તે પછી દરખાસ્ત રાજ્ય સરકારને મોકલાશે. ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્રારા વર્ષ: 2022- 23 માટે 2 કરોડ તથા વર્ષ : 2023-24 માટે 4 કરોડ, વર્ષ : 2024-25 |પ્રથમ તબક્કા] માટે 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. આ રીતે કુલ રકમ 11 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે .વર્ષ 2024-25 માટે રખડતાં ઢોર નિયંત્રણ માટે નાણાકીય વર્ષ 67 કરોડની જોગવાઈ પૈકી વડોદરા મહાનગરપાલિકા માટે 11કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. ફાળવણી કરવામાં આવનાર અન્ય તમામ ગ્રાંટ પેટેની દરખાસ્તમાં 22.50 કરોડના કામોનો સમાવેશ કરવામાં આવનાર છે. જેમાં કરોડીયા, જાંબુવા, ચિખોદરા, વિરોદ, કોયલી, આલમ ગીર અને અન્ય સ્થળે 3,500 પશુ રહી શકે તે માટે દસ કરોડના ખર્ચે ઢોર ડબ્બા બનાવવા છે. ઢોર ડબ્બા માટે ગૌચરની જગ્યાનો કબજો મળે ત્યાં આ કામગીરી કરાશે. આ ઉપરાંત ઢોર ડબ્બાની કામગીરી માટે ટ્રેક્ટર, ટેલર, જેસીબી, ડમ્પર સહિતના વાહનોની ખરીદી 7.50 કરોડના ખર્ચે થશે. ઢોર ડબ્બા ખાતે મેન્ટેનન્સ, ટેગિંગ, ઘાસચારાની ખરીદી વગેરે માટે 5 કરોડનો ખર્ચ થશે. આમ, કુલ 22.50 કરોડના અંતર માળખાકીય સુવિધાના કામો થશે આમ, 2024-25 માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રખડતાં ઢોર નિયંત્રણ માટે જે ફાળવણી કરવાની છે. તેમાંથી 22.50 કરોડના કામો કરવા દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર કર્યા બાદ હવે જનરલ બોર્ડ મંજૂરીની મહોર મારશે. મંજૂર થયેલી ગ્રાન્ટ કરતા ખર્ચ વધુ દર્શાવ્યો હોવાથી એ ખર્ચ સ્વભંડોળમાંથી કરવા માટેનું પ્રમાણપત્ર પણ સરકારમાં રજૂ કરવાનું રહે છે.

Most Popular

To Top