Vadodara

રખડતાં ઢોરને કારણે બે અલગ અલગ બનાવોમાં મહિલાઓ ઇજાગ્રસ્ત..

રખડતાં ઢોરોપર અંકુશ ક્યારે? રાજ્ય સરકારના કેટલાક નિયમોનો અમલ કરવામાં તંત્ર નિષ્ફળ..

બે અલગ અલગ બનાવોમાં રખડતાં પશુઓને કારણે બે મહિલાઓ ભોગ બન્યા જેઓની હાલ શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પ્રથમ બનાવમાં વડોદરાના રણોલી ખાતેના ચાણક્યપુરી સોસાયટીમાં રહેતા સરોજબેન હસમુખભાઈ મકવાણા (ઉ.વ. 50) ગત તા. 31 મી ઓગસ્ટના રોજ સાંજે 5 થી 6 વાગ્યા ના સમયગાળામાં મહાદેવ મંદિર પાસે ચાલતા દર્શન કરીને જતાં હતાં તે દરમિયાન અચાનક એક ગાયે તેમને અડફેટમાં લેતાં મહિલાને માથામાં ઇજા થઇ હતી ઇજાને પગલે મહિલાને ચક્કર આવી ગયા હતા અને સાથે ઉલટીઓ શરૂ થઇ હતી બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇમરજન્સી 108 એમ્બુલન્સ મારફતે શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં મહિલા હાલ સારવાર હેઠળ ભાનમાં હોવાનું જણાયું છે.

બીજા એક બનાવમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવા વલ્લભપુર ખાતે રહેતા શાંતાબેન લક્ષ્મણભાઇ માછી (ઉ.વ. 46) ગત તા. 27 મી ઓગસ્ટના રોજ સાત વાગ્યાની આસપાસ પોતાના ઘર પાસે ગાયને ખવડાવો રહ્યાં હતાં તે દરમિયાન ગાયે અચાનક શાંતાબહેનને મારતાં તેઓને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી બનાવને પગલે શાંતાબેનના પતિ લક્ષ્મણભાઇ તથા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત શાંતાબેનને તાત્કાલિક ગોધરા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલ યશ હોસ્પિટલમાં લ ઇ ગયા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે તા. 03સપ્ટેમ્બર ના રોજ તેઓની હિસ્ટ્રી પેપર્સ સાથે વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓને સર્જરી બી યુનિટ ખાતે સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.

ગુજરાત નામદાર કોર્ટ દ્વારા રખડતાં પશુઓ મુદ્દે બનતા અકસ્માતોમાં ઇજાઓ અને મૃત્યુના બનાવોને ગંભીરતાથી લ ઇ રાજ્ય સરકાર ને આડે હાથ લીધી હતી ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા રખડતાં પશુઓ પર અંકુશ માટે કેટલ પોલીસી બનાવવામાં આવી હતી અને તેના પર કડક અમલવારી કરવા પાંચ મહાનગરોને સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ થોડાંક દિવસો સુધી વડોદરા તેમજ અન્ય મહાનગરપાલિકાના તંત્ર દ્વારા રખડતાં પશુઓ ને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને હજી પણ વડોદરા શહેરમાં ફરિયાદ મળતા પાલિકા તંત્ર દ્વારા રખડતાં પશુઓ અંગે પકડવાની કામગીરી કરે છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાના ઢોર શાખાના માણસો સાથે વડોદરામાં અવારનવાર પશુપાલકો સાથેના સંઘર્ષના બનાવો મારામારીના બનાવો બનતા આવ્યા છે. હાલ ચોમાસામાં શહેરના રાજમાર્ગો ઉપર રખડતાં પશુઓનો મોટાપાયે ત્રાસ જોવા મળી રહ્યો ઠેરઠેર રોડરસ્તાઓ વચ્ચે રખડતી ગાયો અને ભેંસોના જમાવડા જોવા મળી રહ્યાં છે. રાત્રે અને ઘણીવાર દિવસમાં શહેરના રાજમાર્ગો પર રખડતાં પશુઓ બેઠેલા જોવા મળે છે. અગાઉ ઘણાં લોકો રખડતાં પશુઓનો ભોગ બન્યા છે. જેમાં કેટલાક પરિવારે પોતાના ઘરના વ્યક્તિને ખોયા છે તો કેટલાક લોકો રખડતાં પશુઓને કારણે કાયમી ધોરણે ખોડખાંપણ ના ભોગ બન્યા છે. ઘણીવાર પાલિકા તંત્ર દ્વારા રખડતાં પશુઓને પકડવાની કામગીરી કરવા નિકળે ત્યારે પશુપાલકો દ્વારા પોતાના પશુઓ પાછળ સિટીઓ વગાડી ટુવ્હિલરો થી લોકોને જોખમાય તે રીતે રોડપરથી પોતાના પશુઓને દોડાવતા હોય છે જેના કારણે લોકોને જોખમ ઉભું થાય છે. રખડતાં પશુઓથી લોકોને રાહત ત્યારે જ થશે જ્યારે તેના ઉપર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેના માટે સરકાર તથા સ્થાનિક તંત્રે સખત પગલાં લેવા જરૂરી છે.ત્યાં સુધી આ સમસ્યા રહેવાની છે.

Most Popular

To Top