Vadodara

રક્ષિત ચોરસિયા કાંડમાં પ્રાંશુ ચૌહાણને તાત્કાલિક મૂક્ત કરવાના હૂકમ સામે સરકારની રિવિઝન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી

*

*પ્રાંશુ ચૌહાણના વકીલ દ્વારા લેવાયેલ વાંધા ગ્રાહ્ય રાખતાં પ્રાંશુને મોટી રાહત*

*રક્ષિત ચોરસિયા કાંડમાં પોલીસ દ્વારા મંગળવારે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી*

(પ્રતિનિધિ) વડોદરા તા.10

બહુચર્ચિત હોળીના રાત્રે રક્ષિત ચોરસિયા કાંડમાં કારમાં બાજુમાં બેઠેલા અને કાર માલિક પ્રાંશુ રાજેશ ચૌહાણની ખોટી રીતે ધરપકડ ને ગેરકાયદેસર અને ગેરબંધારણીય માની તાત્કાલિક મૂક્ત કરવાના મેજિસ્ટ્રેટ ના હૂકમ સામે સરકાર દ્વારા કરવામાં આવેલી રિવિઝન અરજી મંગળવારે સેસન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરી મેજિસ્ટ્રેટ ના હૂકમને માન્ય રાખતા પ્રાંશુને મોટી રાહત મળી છે.
ગત માર્ચમાં હોળીની રાત્રે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી પાસે રક્ષિત ચોરસિયાએ ગાંજાના નશામાં 140 ની સ્પીડે ફોર વ્હીલર ચલાવી આઠ લોકોને અડફેટે લીધા હતા જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું.આ કેસમાં કારમાં રક્ષિત ચોરસિયા ની બાજુમાં બેઠેલા પ્રાંશુ રાજેશ ચૌહાણને વીસ દિવસ સુધી સાક્ષી બનાવવામાં આવ્યો હતો.કાર માલિક પ્રાંશુને કારેલીબાગ પોલીસે વારસિયા પોલીસને સોંપ્યો હતો જ્યાં પ્રાંશુ ચૌહાણ જામીન મુક્ત થાય તે પહેલાં કારેલીબાગ પોલીસે તેને સહ આરોપી તરીકે ધરપકડ કરી હતી.આ કેસમાં પ્રાંશુ રાજેશ ચૌહાણના વકીલ હિતેશ ગુપ્તા દ્વારા જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ની કોર્ટમાં રજૂઆત કરતા જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ અધિકારીને કારમાં બાજુમાં બેઠેલા પ્રાંશુની અટક બાબતેના કારણો પૂછતાં તપાસ અધિકારી જવાબ આપી શક્યા ન હતા અને આ કેસમાં પ્રાંશુને જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટ દ્વારા 06 એપ્રિલ,2025 ના રોજ મૂક્ત કરવાનો હૂકમ કર્યો હતો. જે અંગેની વધુ સુનાવણી 08 એપ્રિલ,2025ના રોજ રાખવામાં આવી હતી. પરંતુ કારેલીબાગ પોલીસ દ્વારા સરકાર તરફે ગત તા.09-04-2025ના રોજ સેસન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હૂકમને પડકારવામાં આવ્યો હતો. જેમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 438 મુજબ રીવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. આ ગુનામાં પ્રાંશુને તા.05-04-2025ના રોજ રાત્રે સાડા નવ વાગ્યે અટક કરી તા.06-04-2025 ના રોજ પ્રોડક્શન તથા રિમાન્ડ મેળવવા રજૂ કરતાં ટ્રાયલ કોર્ટે આરોપીની કસ્ટડી અનઓથોરાઇઝ છે તેવો હૂકમ કરી આરોપીના જામીન લીધા વિના મૂક્ત કરવાનો હૂકમ કર્યો હતો.આ હૂકમથી નારાજ થઈ અરજદાર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 438 હેઠળ ક્રિમીનલ રિવિઝન અરજી તા.09-04-2025 ના રોજ ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ કરતા તા.10-06-2025 ના રોજ ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એમ.એ.ટેલરની કોર્ટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 438 મુજબ હાલની ફોજદારી રિવિઝન અરજી નામંજૂર કરવામાં આવી છે જેનાથી પ્રાંશુને મોટી રાહત મળી છે. કોર્ટ દ્વારા 24-04-2025 ના રોજના હૂકમને કાયમ રાખવામાં આવ્યો છે.

એડવોકેટ હિતેશ ગુપ્તાની દલીલો

-રક્ષિત ચોરસિયા કાંડમાં પ્રાંશુની અટક શરુઆતથી ખોટી રીતે કરાઇ હતી.
-બી એન એસ એસ ની જોગવાઈઓ તથા જૂના કાયદાને નેવે મૂકીને અટક કરાઇ હતી
-પરિવાર કે મિત્રોને અટકનું કારણ બતાવવામાં આવ્યું ન હતું.
-તપાસ અધિકારી ને કોર્ટમાં અટકનું કારણ પૂછતાં તેઓ જણાવી શક્યા ન હતા.

Most Popular

To Top