રક્ષાબંધનના પર્વ પર બહેન ભાઈના ઘરે સમયસર જઈ રક્ષા કવચ બાંધે તે માટે વડોદરા સેન્ટ્રલ ડેપોનું તંત્ર સજ્જ થયું છે. ગતરોજથી રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી અલગ-અલગ રૂટ પર વધુ નવી 50 બસોની શરૂઆત કરવામાં આવી હતી. જોકે, મુસાફરોનો ઘસારો વધી જતા આજે પણ વધુ 50 બસો વધારાની મુકવાની ફરજ પડી હતી.
વડોદરા ST ડિવિઝન દ્વારા રક્ષાબંધન નિમિત્તે બહેન ભાઈના ઘરે કે ભાઈ બહેનના ઘરે સમયસર પહોંચી અને રાખડી બાંધી શકે કે બંધાવી શકે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા ST ડેપો ખાતે વધુ 50 બસો મૂકવામાં આવી છે. જેથી સુરત, અમદાવાદ, ગોધરા, દાહોદ અને સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોને આ બસોનો લાભ લઇ શકે અને સામાન્ય રીતે તહેવારોના સમયે ઓનલાઇન બુકિંગ ફુલ થઈ જતું હોય છે. જેથી બુકિંગ સિવાયના મુસાફરોને પણ મુશ્કેલી ના પડે તે પણ ધ્યાને રાખવામાં આવ્યું છે.
વડોદરા ડિવિઝનના STના કંટ્રોલરએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના પર્વ પૂર્વે મુસાફરોનો ઘસારો ST ડેપો પર જોવા મળતો હોય છે. વડોદરા ST ડેપો સેન્ટ્રલ છે. જ્યાં મુસાફરોને મુશ્કેલી ના પડે તે ધ્યાને રાખી વડોદરા સેન્ટર ST ડેપો ખાતે ગતરોજથી વધારાની 50 બસો મૂકવામાં આવી હતી પરંતુ આજે રક્ષાબંધનના પર્વ પર મુસાફરોનો ઘસારો વધી જતા વધુ 50 બસો વધારાની મુકવામાં આવી છે અને હજુ જરૂર પડશે તો વધુ બસો પણ મુકવામાં આવશે.