( પ્રતિનિધી )વડોદરા,તા.13
રક્ષાબંધનનો તહેવાર વડોદરા એસટી વિભાગ માટે ફળદાયી સાબિત થયો છે. તા.7 થી 10 ઓગસ્ટ દરમિયાન સેન્ટ્રલ ડેપો દ્વારા 372 વધારાની બસ ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના થકી 22.28 લાખની આવક પ્રાપ્ત થઈ છે આ બસ સેવાનો 19070 મુસાફરોએ લાભ લીધો હતો.
માર્ગ પરિવહન નિગમ દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિતે મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન કર્યું હતું. રાબેતા મુજબ કરતા વધુ બસો દોડાવામાં આવી હતી. તહેવારો દરમિયાન મુસાફરોને સમસ્યા ન થાય અને મુસાફરીને વધુ સરળ બનાવવા માટે નિર્ણય લેવાયો હતો. ગત વર્ષે રાજ્ય એસટી વિભાગ દ્વારા છ હજાર એક્સ્ટ્રા બસ ટ્રીપો ચલાવવામાં આવી હતી. જેમાં 3.15 લાખથી વધુ મુસાફરોને લાભ મળ્યો હતો. ત્યારે, આ વર્ષે તે સંખ્યા વધારીને 6,500 કરવામાં આવી હતી. રાજ્યના ગ્રામ્ય જિલ્લા અને તાલુકા કક્ષાના વિસ્તારો ઉપરાંત મોટા શહેરોમાં પણ બસોની વધારાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. વડોદરામાં 50 વધારાની બસોનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં તા.7 થી 10 ઓગસ્ટ દરમિયાન 372 ટ્રીપ કરવામાં આવી હતી. જેના થકી ચાર દિવસમાં 22.28 લાખની એસટી વિભાગને આવક થઈ હતી. આ બસ સેવાનો 19070 મુસાફરોએ લાભ લીધો હતો. આ સેવા અમદાવાદ સંતરામપુર, દાહોદ, ઝાલોદ, રાજકોટ પાવાગઢ, ડાકોર, છોટાઉદેપુર અને સુરત જેવા મુખ્ય રૂટો ઉપર વધારાની બસો દોડાવવામાં આવી હતી.