બે પરિવારોએ મોભી ગુમાવ્યા, બેફામ વાહનચાલકો સામે જનરોષ
વડોદરા : સંસ્કારી નગરી વડોદરામાં અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત રહી છે. આજે વહેલી સવારે શહેર અને જિલ્લામાં સર્જાયેલા બે ભીષણ અકસ્માતોએ બે પરિવારોનો માળો વિખેરી નાખ્યો છે. દુમાડ–ગણપતપુરા પાટીયા પાસે ટ્રક અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં ખેડા જિલ્લાના પ્રૌઢનું મોત નીપજ્યું છે, જ્યારે મકરપુરા જીઆઈડીસીમાં ક્રેન ચાલકની બેદરકારીને કારણે દાહોદના યુવાનનું ઘટનાસ્થળે જ મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ખેડા જિલ્લાના સનાદરા ગામના રહેવાસી વલ્લભભાઈ સોમાભાઈ પટેલ આજે વહેલી સવારે કોઈ કામ અર્થે વડોદરા આવી રહ્યા હતા. દરમિયાન દુમાડ–ગણપતપુરા પાટીયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે વલ્લભભાઈ ટ્રકના તોતિંગ ટાયર નીચે આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ વડોદરા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. હાઈવે પર અકસ્માતને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ, વડોદરા શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં ક્રેન ચાલકની ગંભીર બેદરકારીએ એક નિર્દોષ યુવાનનો જીવ લઈ લીધો છે. અંદાજે 25 વર્ષનો અને મૂળ દાહોદનો શ્રમિક યુવાન રસ્તો પાર કરી રહ્યો હતો, ત્યારે એક વિશાળ ક્રેનના ચાલકે તેને અડફેટે લીધો હતો. ક્રેનનું ટાયર યુવાન પર ફરી વળતાં તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ક્રેન ચાલકની ઘોર બેદરકારી સ્પષ્ટપણે જોવા મળે છે. અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. મકરપુરા પોલીસે સીસીટીવીના આધારે ક્રેન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સાવધાન: વડોદરાના માર્ગો પર ‘કાળ’ ફરે છે!
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં બનેલી આ ઘટનાઓ વાહનચાલકો અને તંત્ર માટે લાલબત્તી સમાન છે.
એક તરફ હાઈવે પર ભારે વાહનોનો આતંક ઓછો થતો નથી, તો બીજી તરફ જીઆઈડીસી જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં બેફામ દોડતા ક્રેન અને ટેમ્પો નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે.
❓ શું સ્પીડ લિમિટ અને ટ્રાફિક નિયમો માત્ર કાગળ પર જ રહેશે?
🚨 ભારે વાહનો પર કડક નિયંત્રણ
🚨 જીઆઈડીસી વિસ્તારોમાં અલગ ટ્રાફિક વ્યવસ્થા
🚨 CCTV મોનિટરિંગ અને તાત્કાલિક કાર્યવાહી
આવી માંગ સાથે હવે જનતામાંથી તંત્ર સામે કડક પગલાં ભરવાની તીવ્ર માગ ઉઠી રહી છે.