Vadodara

યોગેશકાકા અકળાયા, દાનત જ ખોરી હોવાથી પાલિકાએ શિવજી કી સવારી માટે રૂપિયા આપ્યા નહિ

સ્થાયી કમિટીએ એક કરોડનો ખર્ચો મંજૂર ન કરતા યોગેશ પટેલે બળાપો ઠાલવ્યો

રાજકીય મત મતાંતરના કારણે હવે શિવજી કી સવારી લોકો પાસે ભંડોળ ભેગું કરાશે
દરવર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રિએ નીકળનાર શિવજી કી સવારીની પત્રકાર પરિષદમાં ગઈ સવારીના ખર્ચ મંજૂર નહીં કરનાર વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિના હોદ્દેદારો પર ધારાસભ્ય યોગેશ પટેલ અકળાયા હતા અને એવો બળાપો ઠાલવ્યો હતો કે એ લોકોની દાનત જ ખોરી હોવાથી રૂપિયા મંજૂર કરાયા નથી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં શિવરાત્રી પર શિવજી કી સવારી નિકળશે. તેના સંદર્ભે સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે જુના રૂ. 1 કરોડથી વધુની ચૂકવણી નહીં કરનાર પાલિકાના સત્તાધીશો પર આકરા પ્રહાર કર્યા હતા. યોગેશ પટેલે કહ્યું કે, આ મારૂ નથી, આપણા સૌનું છે. અમે તૈયાર કરીને પાલિકાને સોંપી દીધું છે. જો બધા સાથે ના હોત તો આ શક્ય નહોતું. શરૂઆતના તત્કાલિન મુખ્યમંત્રી સુરેશભાઇ હતા. તે સમયે સુરસાગરને સાફ કરવાની વાત થઇ, તેને તોડવાની વાત થઇ. ત્યાં બાજુમાં જ અમારી પોળની બોટીંગ ક્લબ હતી. ત્યાં એક ઓવારો હતો. ત્યાંથી અમે સુરસાગરના ચક્કર મારતા હતા. તે તુટ્યુ હતું, ત્યારે મેં સ્વામીજીની વાતને મુખ્યમંત્રી સુધી પહોંચાડી, તેમણે તુરંત સ્વિકારી અને તેમના પ્રયત્નો શરૂ કર્યા હતા. તે વખતે મહેસુલ મંત્રી અશોકભાઇ હતા. સુરસાગરની મધ્યમાં શિવજી ઉભા થાય, તે માટે જે પરવાનગી જોઇએ, તે કામ તમારે પૂર્ણ કરવાનું. મંત્રી રાત્રે બે વાગ્યા સુધી કચેરીમાં રહ્યા, તે સમયે મામલતદાર પાદરા રહેતા હતા, તેને બોલાવીને તાત્કાલિક પરવાનગી કરવામાંં આવી. તેના ખાતમૂહુર્ત પ્રસંગે મુખ્યમંત્રી સાથે 11 મંત્રીઓ વડોદરા આવ્યા હતા. 1996 માં પાયા ખોદાતા હતા. તે સમયે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.તાજેતરમાં મોટી સંકલનમાં મેં ચેરમેનને બીલ પાછુ લાવવા જાણ કરી હતી. પરંતુ જેની દાનત ખોરી હોય, ના આપવા હોય તો ના જ આપી શકે પૈસા. સરકાર પાસે કરોડો રૂપિયા છે, અને સરકાર ધર્મ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. કોઈ નહિ આપે તો અમે સક્ષમ છે કરોડ નહિ વધારે પણ ખર્ચ થાય તો હવે ઉપાડી શકીએ એમ છીએ. શિવજી ના ભક્તો ખર્ચ ઉઠાવી લેશે વડોદરાના નગરજનો પાસે ફંડ એકત્ર કરવામાં આવશે.

બાદમાં મીડિયાને જણાવ્યું કે, આ વખતે મુખ્યમંત્રી શિવજી કી સવારીમાં જોડાય તે માટેની વાતો ચાલી રહી છે. શિવજી કી સવારી જે રીતે નીકળતી આવી છે, તે જ રીતે નીકળશે. જે સંબંધે શહેર પોલીસ કમિશનર જોડે વાત થઇ ગઇ છે.

આ મૂર્તિ વડોદરા સેવાસદનને સોંપવી દેવામાં આવી

યોગેશ પટેલે કહ્યું હતું કે તે વખતે લખાણ થયા, હું કલેક્ટર કચેરીમાં હતો. સરકારે નક્કી કર્યુ કે જ્યારે સત્યમ શિવન સુંદરમ સિમિતિ આ કાર્ય પુરૂ કરે, ત્યારે આ મૂર્તિ વડોદરા સેવાસદનને સોંપવી, વડોદરા પાલિકા તેની સંભાળ રાખશે, સફાઇ રાખશે. આ બધુ લખાણમાં સ્પષ્ટ લખ્યું છે. 2002 માં પ્રમુખ સ્વામીના હસ્તે મૂર્તિનું લોકાર્પણ થયું, ત્યારે પાલિકાને આ મૂર્તિ સોંપવામાં આવી છે. કરોડો રુપિયાના ખર્ચે અમે પાલિકાને સોંપી છે. 1996 થી રોશનીથી લઇને તમામ ખર્ચ પાલિકા કરતી આવી છે. આ પાલિકાનું કામ છે. પાલિકા ના ઇચ્છતી હોય, અને સરકારની પરવાગની લઇને અમને સોંપશો તો અમે કરવા તૈયાર છીએ. 2016 માં અમે સોનું ચઢાવવાનો નિર્ણય કર્યો હતો. તેની પરવાનગી અમે પાલિકા પાસેથી લીધી હતી. પાલિકાએ પરવાનગી આપ્યા બાદ ત્યારે મુખ્યમંત્રીની હાજરીમાં પાલિકાને પરત સોંપવામાં આવી હતી. 2022 માં મુખ્યમંત્રી રૂપાણી આવ્યા હતા. ત્યારે પણ સરકારે ખર્ચો કર્યો હતો.

મેં કહ્યું હતું કે, તમે કોર્પોરેશનને ના સોંપો, તમે કલેક્ટરને સોંપો:- યોગેશ પટેલ

યોગેશ પટેલે કહ્યું કે શિવજી કી સવારી નીકળે તે માટે શરૂઆતના સમયમાં શાળાઓને જોડી, અખાડા, તથા અન્યને જોડ્યા, તેને ઉંચા સ્તરે લઇ ગયા હતા. જેના અનુસંધાને શહેરમાં અલગ અલગ કાર્યક્રમો કર્યા હતા. અમે લોકોને જકડી રાખ્યા હતા. ભગવાનના દરબારમાં પૈસાની શું ખોટ હોય, કોઇને પણ કહીએ તો આપી દે. પરંતુ ભવિષ્યમાં કોઇ પણ વ્યક્તિ આ કાર્ય કરી શકે તે માટે અમે ધીરે ધીરે કાર્યક્રમો ઓછા કરી રહ્યા છીએ. અગાઉ મારી ચર્ચા ચાલી હતી, મેં કહ્યું હતું કે, તમે કોર્પોરેશનને ના સોંપો, તમે કલેક્ટરને સોંપો. કારણકે અહિંયા રાજકારણ બહું છે.


મોટી સંકલનમાં ખર્ચ પાસ કરાવવા પ્રયત્ન થશે: શીતલ મિસ્ત્રી
સ્થાયી અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ કહ્યું હતું કે સભ્યોએ વિરોધ કરતા શિવજી કી સવારી નો ખર્ચની દરખાસ્ત મુલતવી રાખવી પડી અને મોટી સંકલનમાં આ દરખાસ્ત મૂકી મંજૂર કરાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે. ગત વર્ષ થયેલા એક કરોડ ઉપરાંતના ખર્ચાને રાજ્ય સરકારે ન આપતા 81 લાખ હજુ આપવાના બાકી છે તેમ છતાં ટેન્ડિંગના સભ્યો સાથે વાતચીત કરી અનો યોગ્ય નિકાલ લાવીશું.


રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય નગરયાત્રા નીકળશે

વડોદરામાં મહાશિવરાત્રિ પરંપરાગત ધામધૂમથી ઉજવવામાં આવે છે. આવનાર 26 ફેબ્રુઆરી, બુધવારે બપોરે 3:30 કલાકે પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવારની ભવ્ય નગરયાત્રા નીકળશે. વર્ષોની પરંપરાને અનુરૂપ “શિવજી કી સવારી” શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે, વાડી, ચોખંડી, માંડવી, ન્યાયમંદિર, માર્કેટ અને દાંડીયાબજારથી પસાર થઈ, સાંજે 7:00 વાગ્યે સુરસાગર પહોંચશે. ત્યારબાદ 7:15 કલાકે મહાઆરતી યોજાશે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો શિવ મહિમાના ગીતો ગાતાં જોડાશે.

Most Popular

To Top