કારેલીબાગ વિસ્તારમાં સાદરી ઇમીગ્રેશન નામની ઓફિસ ધરાવતા મૂળ આણંદના દંપતીએ તબક્કાવાર પૈસા લઈને વિશ્વાસઘાત કર્યો
(પ્રતિનિધિ) વડોદરા તા. 30
શહેરના સમા વિસ્તારમાં રહેતા એક વ્યકતિને નોકરી માટે યુ.કે.જવાનુ હોય તેમણે કારેલીબાગ વિસ્તારમાં વી આઇ પી રોડ ખાતે આવેલા સાદરી ઇમીગ્રેશન નામની ઓફિસ પર વિઝા પરમીટ નું કામ કરતા આણંદના દંપતીનો સંપર્ક કર્યો હતો. જેઓએ યુ.કે.વર્ક પરમીટ વીઝા માટે રૂ.15 થી 18 લાખ નો ખર્ચ થશે તેમ જણાવી તે વ્યક્તિ પાસેથી અલગ અલગ તબક્કે વિવિધ પ્રકિયા માટે રૂ.10 લાખની માતબર રકમ મેળવી લઇ વર્ક પરમિટ વીઝા ન આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોવાની કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના સમા વિસ્તારમાં રાદલધામ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા ભાવેશભાઇ ભાસ્કરભાઇ પારેખને ગત તા. 20-12-2022 ના રોજ વર્ક પરમિટ વીઝા મેળવી નોકરી માટે યુ.કે.જવાનુ હોવાથી તેઓએ શહેરના કારેલીબાગની.આઇ.પી રોડ સ્થિત વી.આઇ.પી. વ્યુ કોમ્પલેક્ષમા ચાલતા સાદરી ઇમીગ્રેશન નામની ઓફિસમાં ગયા હતા. જ્યાં આણંદના દંપતી હાર્દિક ભરતભાઈ સોની તથા તેમના પત્ની શ્રેયા દીનેશભાઈ સોનીનો સંપર્ક કરી યુ.કે.વર્ક પરમીટ વીઝા ની વાત કરી હતી જેથી હાર્દીકભાઇએ ભાવેશભાઇ ને રૂ.15 થી રૂ.18 લાખનો ખર્ચ થશે તેમ જણાવી પ્રથમ યુ.કે.એમ્બેસીમા સાડા ત્રણ લાખ ભરવા જણાવ્યું હતું. જેથી ભાવેશભાઇએ અલગ અલગ તબક્કે રોકડા ત્રણ લાખ હાર્દીકભાઇને આપ્યા હતા. ત્યારબાદ આગળની પ્રોસેસ માટે ત્રણ લાખ ભરવા પડશે તેમ જણાવતા ભાવેશભાઇ એ રૂ.પોતાની માતાના પેન્શન લોન પર રૂપિયા અઢી લાખ હાર્દિકભાઇના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જેના બે માસ બાદ વિઝાની તારીખ જતી રહે તે પહેલાં રૂપિયા ત્રણ લાખની માંગણી કરતાં ભાવેશભાઇ એ પત્નીના દાગીના પર લોન લઇ રૂ. 1.25 લાખ હાર્દિકભાઈને આપ્યા હતા. ત્યારબાદ દંપતીએ ઓફિસ બંધ કરી દીધી હતી અને પત્નીના નામે કારેલીબાગ વિસ્તારમાં અમીતનગર બ્રિજ પાસે શ્રેયા ફાસ્ટ ફૂડ ની દુકાન શરૂ કરી હતી.ત્યા વિઝા બાબતે પૂછતાં હાર્દિકભાઇ એ રૂ.10 લાખની રકમ પૂરી કરવા જણાવ્યું હતું..જેથી ભાવેશભાઇએ પત્નીના બેંક એકાઉન્ટમાંથી રૂ. 50,000 તથા રૂ. 80,000 આપ્યા હતા. ત્યારબાદ રૂ.50,000 આપ્યા હતા તથા પ્રોસેસ ફી સહિત અલગ અલગ તબક્કે કુલ રૂ.10 લાખ મેળવી લીધા હતા અને ગોળ ગોળ જવાબ આપતા આખરે ભાવેશભાઇએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં દંપતી વિરુદ્ધ રૂ.10 લાખની છેતરપિંડી, વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.