Vadodara

યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા ભાજપના કોર્પોરેટર ની માંગ

પશ્ચિમ બંગાળના બહેરામપુરના સાંસદ અને ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા વડોદરા મ્યુ.કોર્પોરેશનના પ્લોટ પર કબ્જો કરવાનો મામલો ગરમાયો છે. ત્યારે વડોદરાના વોર્ડ 10ના ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ મ્યુનિ.કમિશ્નરને આવેદનપત્ર પાઠવી સાંસદ યુસુફ પઠાણ પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા માગણી કરી હતી. તેમજ યુસુફ પઠાણ પર કોર્પોરેશનનો પ્લોટ પચાવી પાડ્યાનો આક્ષેપ પણ કર્યો હતો.

યુસુફ પઠાણે ટી.પી. 22, FP 90નો પાલિકાનો 10523 સ્ક્વેર ફૂટનો પ્લોટ છેલ્લા 10 વર્ષથી પચાવી પાડ્યો હોવાનો આરોપ પૂર્વ કાઉન્સિલર વિજય પવારે કર્યા બાદ આ મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. રાજ્ય સરકારે 2014માં કોર્પોરેશને યુસુફ પઠાણને આપેલ પ્લોટની અરજી નામંજૂર કરી હતી. હાલ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નિવેદન આપ્યું હતું કે યુસુફ પઠાણને 10 દિવસમાં કોર્પોરેશનનો પ્લોટ ખાલી કરવા નોટિસ આપી છે. પ્લોટ ખાલી નહીં કરે તો પાલિકા બીજી નોટિસ પણ આપશે. અને ત્યાર બાદ પાલિકા પોતે પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ દૂર કરી કબ્જો મેળવશે. યુસુફ પઠાણે ચૂંટણીના સોગંદનામામાં પણ પ્લોટ પોતાની માલિકીનો હોવાનું દર્શાવ્યું હતું. ત્યારે ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ આ મામલે યુસુફ પઠાણ પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય બાબતે છે કે, ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળમાં ટીએમસીમાંથી બહેરામપુર બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ ચૂંટણી જીતી જતા હાલ સાંસદ બન્યા છે. જ્યારથી તેઓ સાંસદ બન્યા ત્યારથી વડોદરામાં તેમની સામે મોરચો ખોલ્યો છે. સર્વપ્રથમ વખત વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકીએ પણ તેમના વિરુદ્ધ ટિપ્પણી કરતી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી. ત્યારબાદ ભાજપના જ પૂર્વક કાઉન્સિલરે યુસુફ પઠાણ પર કોર્પોરેશનનો પ્લોટ કબજે કર્યો હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરી હતી. ત્યારે હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી વોર્ડ નંબર 10ના ભાજપના કાઉન્સિલર નીતિન દોંગાએ પણ આ મામલે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી સાંસદ યુસુફ પઠાણ પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા રજૂઆત કરી હતી.

Most Popular

To Top