શહેરમાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવની રંગારંગ પુર્ણાહુતિ
વિવિધ વય જૂથના અંદાજે અઢી લાખ ઉપરાંત રમતવીરોએ અલગ અલગ રમતોમાં કૌશલ્ય નું નિદર્શન કર્યું
લાગલગાટ બે મહિના સુધી રમત નગરી રમતના રંગે રંગાઈ





વડોદરા
યુવા સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા શહેરમાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવની આજે એમએસ યુનિવર્સિટીના ચં, ચી, મહેતા ઓડિટોરિયમ ખાતે આયોજિત જાહેર સમારોહમાં રંગારંગ પૂર્ણાહુતી થઈ હતી. પૂર્ણાહુતી સમારોહમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી એ વર્ચ્યુઅલ જોડાઈ સિદ્ધિપ્રાપ્ત રમતવીરોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમતવીરો સાથે સુંદર સંવાદ પણ સાધ્યો હતો. ખેલ મહોત્સવને નગરજનોનો જબ્બર પ્રતિસાદ સાંપડતા લાગ લગાટ બે મહિના સુધી રમત નગરી રમતના રંગે રંગાઈ હતી.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ના ફિટ ઇન્ડિયાના આહવાનને અનુલક્ષીને શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા લાગટ સતત બીજા વર્ષે શહેરમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રમત નગરીના નગરજનોએ સાંસદના આયોજનને એક અનોખા ઉત્સાહ અને ઉમંગ સાથે આવકારી મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો. શહેરમાં ગત 8 નવેમ્બરથી પ્રારંભ કરવામાં આવેલા સાંસદ ખેલ મહોત્સવમાં મોટી સંખ્યામાં શહેરના વિવિધ વય જૂથના રમતવીરોએ અલગ અલગ ઇન્ડોર અને આઉટડોર રમતોમાં ભાગ લઈ પોતાની રમત પ્રત્યેની રુચિ અને રમત કૌશલ્યનું નિદર્શન કરી સાંસદના આયોજનને જબ્બર પ્રતિસાદ આપ્યો હતો. શહેરના નાના-મોટા ઉદ્યોગો તેમજ સંસ્થાઓ ઉપરાંત પાવર ગ્રીડ, આઈઓસીએલ, ગેઈલ, તેમજ ઓએનજીસી જેવા ઉદ્યોગોએ પણ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આ રમતોત્સવના આયોજનને પાર પાડવા ઉમદા સહકાર પૂરો પાડ્યો હતો.
રમતોત્સવના સમારોહ પ્રસંગે શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષી, વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ, રાજ્યના મંત્રી મનિષાબેન વકીલ, શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રશિક ભાઇ પ્રજાપતિ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ભાણગે, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, શિક્ષણ સમિતિના પદાધિકારીઓ જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા સ્પોર્ટ્સ અધિકારી તથા સભ્યો સહિત મોટી સંખ્યામાં રમત નગરીના નગરજનો જોડાયા હતા.
જન્મદિવસે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. અટલ બિહારી બાજપાઈજીને સ્મરણાંજલિ અર્પણ કરાઇ
આજે 25 મી ડિસેમ્બરે ભારતના લોકલાડીલા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટાલ બિહારી બાજપાઈજીનો જન્મદિવસ છે. સ્વ અટલજીના જન્મદિવસ નિમિત્તે ઓડિટોરિયમમાં એકત્રિત સૌ રમતવીરોએ દેશની પ્રગતિ અને વિકાસમાં અટલજીના અનમોલ યોગદાન નું સ્મરણ કરી તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરી સ્મરણાજલિ આપી હતી.