વીસીએફના સભ્યોની માનવ સાંકળ રચી વીસી હટાવોની માંગણી:
2 હજારના નુકસાન સામે 200 વિદ્યાર્થી પર રાયોટિંગનો ગુનો શરમજનક બાબત : VCF
( પ્રતિનિધિ ) વડોદરા,તા.10
એમએસયુમાં જ્યારથી પ્રો.ડો.વિજયકુમાર શ્રીવાસ્તવે વીસી તરીકે પદભાર સંભાળ્યો ત્યારથી તેઓ વિવાદમાં સપડાયા છે. ફોટોજીવી વામન વીસીના તઘલગી નિર્ણયો સામે શહેરના શાસકોનું પણ હવે કઈ ઉપજતું ન હોય તેમ લાગી રહ્યું છે. જેના પાપે 200 વિદ્યાર્થીઓના ટોળાં સામે રૂ.2 હજારના નુકસાન બદલ રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે વડોદરા સીટીઝન ફોરમના સભ્યોએ વીસી વિરુદ્ધ અને વિદ્યાર્થીઓના સમર્થનમાં માનવ સાંકળ રચી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.
વીસીની તાનાશાહી સામે અગાઉ ફાઈટ ફોર એમ.એસ.યુ આંદોલન શરૂ થયું હતું જોકે તેમાય રાજકીય રમત રમાતા વેરવિખેર થઈ ગયું હતું અને વિદ્યાર્થીઓ પિસાયા હતા. મેસની અને અપાતા ભોજનની ફી વધારા સામે વિદ્યાર્થીઓ રજૂઆત માટે વીસીના નિવાસ્થાને પહોંચ્યા હતા. રજૂઆત તો સાંભળી નહીં અને 200 વિદ્યાર્થીઓ ઉપર 2000 રૂપિયાનું નુકસાન કર્યું હોય રાયોટીંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ વિદ્યાર્થી સંગઠન એજીએસયુએ 2 હજાર રૂપિયા ઉઘરાવી ચિલ્લર ભરેલો ડબ્બો યુનિવર્સિટીની હેડ ઓફિસના મુખ્ય દરવાજે લટકાવ્યો હતો. જ્યારે એનએસયુઆઇ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે વિદ્યાર્થીઓની વ્હારે વડોદરા સીટીઝન ફોરમ આવ્યું છે. જેમાં ડો. અશોક મહેતા, હિતેશ ગુપ્તા, શીતલ ઉપાધ્યાય, વિરેન્દ્ર રામી, કીર્તિ પરીખ, નરેન્દ્ર રાવત, ધીરુ ભાઈ મિસ્ત્રી સહિત અનેક પૂર્વ વિદ્યાર્થીઓએ બુધવારે એકત્ર થઈ સયાજીગંજ સરદાર પ્રતિમા પાસે માનવ સાંકળ બનાવી હતી તેમજ પ્લે કાર્ડમાં હમે હમારા હક ચાહિયે, નહિ કિસી સે ભીખ ચાહિયે, વીસી આપકે રાજમેં કટોરા દેદો હાથ મે, યુનિવર્સિટી બચાવો, સત્તાધીશોને નથી આપવો મોકો વડોદરાના વિદ્યાર્થીઓને થતો અન્યાય રોકો, કોમન એક્ટના રાજમાં વડોદરાના વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમાં જેવા સ્લોગન સાથે ઉગ્ર સુત્રોચાર કરી વીસી હટાવોની માંગણી કરી હતી.
અમને કીધું હોત તો 2 હજારની જગ્યા પર 2 લાખનું દાન ઉઘરાવી આપ્યું હોત :
200 વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી ખોટી રીતે તેમની પર જે પરમારે FIR નોંધવામાં આવી છે. 2 હજાર રૂ.ના નુકસાનના કારણે 200 વિદ્યાર્થીઓની કારકિર્દી ખૂબજ શરમજનક ફરિયાદ, અને પૂર્વ વિદ્યાર્થીઓ તરીકે જો કદાચ અમને જ કહ્યું હોત, તો અમે જ 2 હજારની જગ્યાએ 2 લાખનું દાન પણ ઉભું કરીને આ યુનિવર્સીટી માટે આપ્યું હોત. જે પ્રકારે વિદ્યાર્થીઓનો ભોગ લેવાઈ રહ્યો છે. આ વિદ્યાર્થીઓની નગરી છે. આ વિદ્યાર્થીઓ માટેની જગ્યા છે. અને એમનું ભવિષ્ય બને એ પ્રકારે જ પ્રવૃત્તિ અહીંયા થવી જોઈએ. પરંતુ, જે પ્રકારે વીસી ખોટા નિર્ણયો લઈ રહ્યા છે. એ ખૂબજ દુઃખદ બાબત છે. વિદ્યાર્થીઓનું હિત સચવાય અને વિદ્યાર્થીઓના પડખે પૂર્વ વિદ્યાર્થીઓ છે જ. એ જાહેરાત કરવા માટે માનવસાંકળ રચીને વડોદરા સીટીઝન ફોરમ પોતાની જવાબદારી નિભાવવા આગળ આવ્યું છે. : હિતેશ ગુપ્તા,એડવોકેટ ,VCF
શિક્ષણ મંત્રીનો વીસીને કાર્યકાળ ફેબ્રુઆરી સુધી બચાવવાનો પ્રયાસ :
વિશ્વવિખ્યાત વડોદરાની એમએસ યુનિવર્સિટીના વીસીની લાયકાત સામે હાઇકોર્ટમાં પીઆઈએલ થઈ છે. નિયમ મુજબ જે અનુભવ જોઈએ તે પણ નથી. કાર્યકાળ ગમે તે રીતે ફેબ્રુઆરી સુધીનો છે તે પૂરો કરવાનો છે અને તેના કારણે જ ધારાસભ્યો જિલ્લાના અને સાંસદ પણ જ્યારે કહે છે. ત્યારે શિક્ષણ મંત્રી વીસી પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવને બચાવી રહ્યા છે. કારણકે ભૂતકાળમાં એમની જ કોલેજમાં વિજય શ્રીવાસ્તવ કદાચ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હતા.