
( પ્રતિનિધિ )વડોદરા,તા.30
વડોદરા શહેરમાં નીકળેલી યુનિટી માર્ચના કારણે રાજમહેલ રોડ તોપ સર્કલ પાસે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. રવિવારે રજા માણવા નીકળેલા લોકો અટવાયા હતા. જ્યારે, વાહન ચાલકો વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ થયું હતું.

સરદાર પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે કરમસદ થી એકતા નગર સુધી યોજાયેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું વડોદરામાં બીજો દિવસ હતોમ દાંડિયા બજારથી પદયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જેમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ તેમજ વડોદરા મહાનગર પાલિકાના નગરસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રા નવલખી ગ્રાઉન્ડથી આગળ વધી હતી. જોકે, રવિવારની રજાના દિવસે યુનીટી માર્ચના કારણે એક બાજુનો રસ્તો બંધ કરવામાં આવતા ટ્રાફિક ગંભીર રીતે અસરગ્રસ્ત થયો હતો. રજાના દિવસે બહાર નીકળેલા નાગરિકો ટ્રાફિકમાં અટવાતા રોષ જોવા મળ્યો હતો અને વાહન ચાલકો વચ્ચે બોલાચાલીના પણ દ્રશ્યો સર્જાયા હતા. ખાસ કરીને આ યુનિટી માર્ચ વખતે એક તરફનો રસ્તો બંધ કરવામાં આવતા કેટલાક વાહનચાલકોએ ઉતાવળની લ્હાયમાં રસ્તા આડે ઉતરતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. લોકોને લાંબો સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ લેવાની ફરજ પડી હતી. બીજી તરફ સત્તા આગળ શાણપણ નકામું જેવો ઘાટ જોવા મળ્યો હતો. ટ્રાફિક પોલીસે પદયાત્રાના પ્રસ્થાન બાદ પરિસ્થિતિ સંભાળી લીધી હતી. જોકે, કેટલાક ચાલકો વચ્ચે તો અંદર અંદર સામાન્ય વાહનો વચ્ચે તો શાબ્દિક ઘર્ષણ પણ થયું હતું.