Vadodara

યુનાઈટેડ વે અને લક્ષ્મીવિલાસ પેલેસના ધંધાદારી ગરબામાં એન્ટ્રી એક્ઝિટની સુરક્ષિત વ્યવસ્થા છે ખરી?

કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદારી લેશે? મહોત્સવના આયોજકો વિરુદ્ધ ધારાશાસ્ત્રી મેદાનમાં

એન્ટ્રી-એક્ઝિટ માટેની વ્યવસ્થાનો અભાવ : ખેલૈયાના જીવ જોખમમાં

માતાજીના મહોત્સવને ગરબા આયોજકોએ ધંધો બનાવ્યો : દીપ પરમાર

જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને રજૂઆત : ચેરિટી કમિશ્નરમાં આરટીઆઈ કરાઈ

( પ્રતિનિધિ )વડોદરા,તા.20

આગામી નવરાત્રી મહોત્સવ પૂર્વે શહેરમાં આયોજિત મોટા ગરબા જેમાં યુનાઇટેડ વે અને લક્ષ્મીવિલાસ પેલેસના ગરબાના આયોજકો વિવાદમાં આવ્યા છે. આ ગરબા આયોજકો અલગ અલગ ટ્રસ્ટ દ્વારા વડોદરાની જનતા પાસેથી મા અંબાના ગરબા રમવા માટે ડોનેશન તરીકે રૂપિયા લેવામાં આવે છે અને સાથે જ માતાજીના મહોત્સવ ગરબાને ગરબા આયોજકોએ ધંધો બનાવ્યો છે. ખાસ કરીને મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા જતા હોય છે. ત્યારે, જો કોઈ અનિચ્છનીય ઘટના અને આકસ્મિક બનાવ બને તો ખેલૈયાઓના જીવ જોખમમાં મુકાઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે. સાથે આયોજકો ગરબાનો વેપાર બનાવે નહીં અને બહેનોને ફ્રી પાસ માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી સાથે વડોદરા શહેરના નામાંકિત ધારાશાસ્ત્રી દ્વારા જિલ્લા કલેકટર પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

સંસ્કારી નગરી વડોદરામાં નવરાત્રી મહોત્સવ ભારત-ગુજરાતમાં નહીં પરંતુ દેશ વિદેશમાં પણ વડોદરાના ગરબા પ્રચલિત છે તથા તેની ચર્ચા થાય છે, ત્યારે દેશ વિદેશથી ગુજરાતી તથા અન્ય પરીવારો તથા પર્યટકો જે આ નવરાત્રી ગરબા મહોત્સવમાં હજારો-લાખો લોકો ધાર્મિક રીતે ગરબા અને માં અંબાની ભક્તિ કરવા આવતા હોય છે. જોકે હાલ આ ગરબા મહોત્સવના આયોજકો દ્વારા ગરબા મહોત્સવને પોતાનો ધંધો બનાવ્યો હોય તેવા આક્ષેપો સાથે વિવિધ વિભાગોમાં નામાંકિત ધારાશાસ્ત્રી દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.

વડોદરા શહેરમાં મોટા ગરબા આયોજકો શ્રી મહારાણી ચીમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય લક્ષ્મીવિલાસ પેલેસમાં ગરબાનું આયોજન કરતા હોય છે, તથા યુનાઈટેડ વે ઓફ બરોડા, વડોદરામાં અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર ગરબાનું આયોજન કરતા હોય છે. અન્ય નાના-મોટા ગરબા આયોજકો વડોદરામાં અલગ અલગ જગ્યાઓ ઉપર ગરબાનું આયોજન કરતા હોય છે. આ અંગે દીપ પરમારે જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, વિવિધ નામોથી જાણીતી સંસ્થા – ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી વડોદરામાં અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર ગરબાનું યુનાઈટેડ વે અને લક્ષ્મીવિલાસ પેલેસ આયોજન કરતા હોય છે અને આ અલગ અલગ ટ્રસ્ટ દ્વારા વડોદરાની જનતા પાસેથી માં અંબાના ગરબા રમવા માટે ડોનેશન તરીકે રૂપિયા લેવામાં આવે છે. આ માતાજીના મહોત્સવને ગરબા આયોજકો દ્વારા ધંધો બનાવાયો છે. આ માતાજીના ગરબામાં બહેનો માં અંબાની આરાધના કરતી અને ગરબે રમતી હોય છે, જેના માટે આયોજકો આનો વેપાર બનાવે નહીં અને બહેનોને ફ્રી પાસ માટેની વ્યવસ્થા કરવામાં આવે એવું જાહેરનામું કલેક્ટર તથા મ્યુનિસિપલ કમિશનર તથા ચેરિટી કમિશનર તથા પોલીસ કમિશનર તથા જી.એસ.ટી. કમિશનર વડોદરા દ્વારા બહાર પાડવામાં આવે એવી અમારી તથા વડોદરા શહેરની જનતા તરફે રજુઆત છે.

આ ગરબા મહોત્સવમાં હજારો-લાખોની સંખ્યામાં લોકોની હાજરી હોય છે. પરંતુ ગરબા આયોજકોની અપૂરતી વ્યવસ્થાઓ જોવા મળતી હોય છે. જાહેર જનતાની સુરક્ષા માટે, પાર્કિંગ માટે, ટ્રાફિક વિગેરેની તમામ વ્યવસ્થા કરવા માટે અમારી તથા વડોદરાની જાહેર જનતા તરફ થી રજુઆત છે. ગરબામાં હજારો-લાખો લોકોની ભીડ઼ થતી હોય છે. જેમાં અનિચ્છનીય કોઈ બનાવ બને તો આટલી મોટી ભીડ઼ને બહાર નીકળવા માટે ધક્કામુક્કીની દુર્ઘટના ન થાય અને લોકોના જીવ જોખમાય નહીં તે માટે ખાસ કરીને ગરબા રમવા માટે આયોજકો દ્વારા ગરબાના ગ્રોઉન્ડમાં ત્રણ ફૂટમાં એક જન ગરબા કરી શકે એ પ્રમાણે અને ગરબા ગ્રાઉન્ડની સાઈઝ પ્રમાણેના ગરબા રમવાના પાસ બહાર પાડવામાં આવે એવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તથા અલગ અલગ પ્રવેશ તથા નિકાસ એટલેકે, 200 થી 300 વ્યક્તિ દીઠ એક પ્રવેશ (એન્ટ્રી ) તથા નિકાસ (એક્ઝિટ) ની વ્યવસ્થા/જોગવાય હોવી જોઈએ. દરેક ગરબા આયોજકો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવું જોઈએ તથા ગરબા આયોજકોએ પોલીસ કમિશનર તથા કલેક્ટર વડોદરા પાસેથી ફરજીયાત પરમીશન માગવી જોઈએ તથા સરકારના વિભાગ દ્વારા તેની તમામ પ્રકારની ચોકસાઈ/તપાસ થવી જોઈએ કે કેટલા પાસ (ફ્રી પાસ કે અન્ય કોઈ પણ પ્રકારના પાસ સાથે) બહાર પાડવાના છો ? જેના નંબરીંગ રેકોર્ડ માટે હોવા જોઈએ તેજ પ્રમાણે ગરબા જોવા માટેના કેટલા પાસ ફ્રી પાસ કે અન્ય કોઈ પણ પ્રકારના પાસ સાથે આયોજકો બહાર પાડવાના છો? જેના પણ નંબરીંગ રેકોર્ડ માટે હોવા જોઈએ, તે પછી જ ગરબા આયોજકની ગરબા રમવાના પાસ તથા ગરબા જોવાના પાસની સંખ્યા મુજબ 200 થી 300 વ્યક્તિ દીઠ એક પ્રવેશ (એન્ટ્રી) તથા એક નિકાસ (એક્ઝિટ) પૂરતા પ્રમાણમાં હોય તથા સંખ્યા મુજબ પાર્કિંગની વ્યવસ્થા હોય ત્યાર બાદ જ ગરબા આયોજકોને તે મુજબની પરવાનગી આપવામાં આવે. તદ્દઉપરાંત અલગ અલગ સરકારી તંત્રો-વિભાગો સાથે ચર્ચા વિચારણા કરી સદર બાબતની વ્યવસ્થા વડોદરા શહેરમાં કરવામાં આવે એવી વડોદરાની જનતા તરફે રજુઆત કરવામાં આવી છે.

ભૂતકાળની ઘટનાઓમાં અધિકારીઓનો ભોગ લેવાયો હતો, દબાણમાં નહીં આવી કાર્યવાહી કરે

ગુજરાતમાં જયારે પણ કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે રાજકારણીઓ અને વગદાર લોકોના દબાણમાં આવી પરવાનગી આપનાર અને નિયમ ભંગ પરત્વે આંખ આડા કાન કરનાર અધિકારીઓનો જ ભોગ લેવાય છે. વડોદરાના ગરબા આયોજકો પણ વગદાર હોવાથી ઉચ્ચ અધિકારીઓ પણ તેમના પ્રભાવમાં આવી જાય છે. આ આયોજકો અધિકારીઓને આરતી કરવા બોલાવે તેમાં પીરસાઈને પોતાની સત્તાવાર ફરજ શું છે તે પણ ભૂલી જાત છે. ત્યારે વડોદરામાં પણ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી જેમની છે તે કલેકટર, મ્યુ. કમિશનર અને પોલીસ કમિશનર પોતાની કેટલી ફરજ બજાવે છે તે આ વર્ષના ગરબામાં સ્પષ્ટ થઈ જશે. B

Most Popular

To Top