Vadodara

યુનાઈટેડ વેમાં ડિજિટલ પાસ નહિ ચલાવતા ખેલૈયા ઓનો હોબાળો



એપ ડાઉનલોડ કરાવી પાસ નહિ ચલાવતા લોકો રોષે ભરાયા

અમારે આમ પણ કાદવમાં નથી રમવું, રિફંડ આપો એવી માગણી કરી



વડોદરાના સૌથી મોટા ધંધાદારી ગરબા આયોજન યુનાઈટેડ વેમાં સતત બીજા દિવસે વિવાદ રહ્યો હતો અને ખેલૈયા રોષે ભરાયાં હતાં. કાદવ ખુંદીને ગરબા રમવા પહોંચેલા લોકોને ડિજિટલ પાસ નહિ ચાલે એમ આયોજકોએ દાદાગીરીપૂર્વક જણાવતા રોષે ભરાયેલા લોકોએ રિફંડની માંગણી કરી હતી.

યુનાઈટેડ વે ના ગરબામાં આ વર્ષે સતત વિવાદો ચાલી રહ્યા છે. 5 હજાર રૂપિયા ખર્ચ કર્યા પછી કપડાં અને પગ બગાડી કાદવમાં રમવાને બદલે ઘણા લોકોએ બીજી જગ્યાએ ગરબા રમવા જવાનું પસંદ કર્યું હતું. કેટલાક લોકો સ્થળ પર પહોંચ્યા તો તેમના ડિજિટલ પાસ નહિ ચલાવવાનો આયોજકોએ આગ્રહ રાખી ફિઝિકલ પાસની માગણી કરી હતી. આથી રોષે ભરાયેલા લોકોએ એવી દલીલ કરી હતી કે તમે જ જાહેરાતો કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છે. ગઈ કાલે પ્રવેશ આપ્યો જ હતો. ફોટો, મોબાઈલ નંબર અને કયું આર કોડ વેરીફાઈ કરીને પ્રવેશ આપો. પણ સંચાલકો તેમની જીદને વળગી રહ્યા હતા. આથી દૂર દૂરથી કાદવ વચ્ચે ચાલીને આવેલા લોકોએ એવી માગણી કરી હતી કે એક દિવસના પૈસા કાપીને અમને રિફંડ આપી દો. છતાં આયોજકો નહિ માનતા ઘણા લોકો નિરાશ થઈને પરત જતાં રહ્યાં હતાં.

સતત બીજી રાતે પણ યુનાઈટેડ વેના આયોજનમાં કોઈ સુધારો જોવા મળ્યો નહોતો અને લોકો પરેશાન થયા હતા. કેટલાક લોકો એ તો યુનાઈટેડ વેના આયોજકોને ગ્રાહક અદાલતમાં ખેંચી જવાની પણ ચીમકી આપી હતી. લોકોએ મોઢા પર સંભળાવ્યું હતું કે તમે અતુલ પુરોહિતના નામે ધંધો કરી દાદાનું નામ બગાડવા બેઠા છો.
.

Most Popular

To Top