*યુનાઇટેડ વે ગરબામાં આયોજકોની ગેરવ્યવસ્થાને કારણે વૃધ્ધ બેભાન*
*યુનાઇટેડ વેના આયોજકો દ્વારા ગરબા મેદાનમાં પ્રવેશ, ગરબા પાસિસ વિતરણ સહિતની વ્યવસ્થાના ધાંધિયાથી ગરબા ખેલૈયાઓ પરેશાન
અતુલ પુરોહિતના નામે તરી ગયેલા યુનાઇટેડ વેના આયોજકો પોતાના અહંકારમાં મસ્ત, પાસ માટે નાણાં લીધા પરંતુ સુવિધાના નામે ફકત લોકોને હાલાકી જ આપી
(પ્રતિનિધિ) વડોદરા તા. 09
નવરાત્રીના પાંચમા નોરતે વિવાદોમાં ઘેરાયેલા યુનાઇટેડ વે ગરબામાં ભારે ભીડને કારણે આયોજનમાં અભાવને કારણે સિનિયર સિટીઝન બેભાન બની ઢળી પડ્યા હતા.
કલાનગરી અને સંસ્કારીનગરી તરીકે પોતાની આગવી ઓળખ ધરાવતું વડોદરા નવરાત્રી ગરબાનું કેપિટલ પણ કહી શકાય. કારણ કે અહીંના ગરબા દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યાં સુધી કે બોલીવુડ તથા ઢોલીવુડ (ગુજરાતી) ફિલ્મો તથા ટેલિવુડમાં પણ વડોદરાના ગરબા જોવા મળ્યા છે. અગાઉથીજ ગુજરાતમાં અને તેમાંય ખાસ કરીને વડોદરામાં ગરબા યોજાતા હતા પ્રાચીન, અર્વાચીન ગરબા, રાસ એ ખાસ આપણી આગવી ઓળખ હતા પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ શેરી, પોળોમા થતાં ગરબાઓના વેપારીકરણ થતાં ગયા અને હવે ગરબા એ ધંધાર્થીઓના આવકનો એક ભાગ બની ગયા છે. ધીમે ધીમે ભક્તિ, સંસ્કૃતિ ની જગ્યાએ હવે આવક, પાશ્ચાત્ય સંસ્કૃતિ નું ચલણ વધવા લાગ્યું છે.
શહેરમાં મોટા ગરબાઓની વાત કરીએ તો મોખરાનું નામ યુનાઇટેડ વે ના ગરબાનું આવે. અહીં ગરબાનું આકર્ષણ ગરબા ગાયક અતુલ પુરોહિત અને તેમના વૃંદના કારણે હતું. લોકો ગાયક તથા વૃંદના તાલે રમાતા ગરબા રમવા માટે દરવર્ષે લોકો મોંઘા પાસ ખરીદે છે ત્યાં સુધી કે વડોદરા શહેરના જ નહીં અન્ય શહેર તથા વિદેશથી એન આર આઇ પણ અહીં ગરબા રમવા, માણવા માટે આવે છે પરંતુ છેલ્લા બે વર્ષોથી યુનાઇટેડ વે ના ગરબા આયોજકોના આયોજન, સુવિધાઓમાં અભાવ જોવા મળી રહ્યો છે. હવે લોકો માત્ર અતુલ પુરોહિતના કારણે જ આ ગરબામાં આવે છે.
ચાલુ વર્ષે શારદીય નવરાત્રીની શરુઆતથી જ યુનાઇટેડ વે ના ગરબા મેદાનમાં વરસાદી પાણીના નિકાલની નિષ્ફળ કામગીરીને કારણે મોંઘા પાસ સાથે ગરબા ખેલૈયાઓ તથા ગરબા જોવા આવતા લોકોને કીચડ તથા મેદાનમાં લપસી જવાય તેવાં મેદાનમાં જવાની ફરજ પડી હતી. જેમાં ઘણાં ગરબા ખેલૈયાઓ ના કીચડને કારણે કપડાં બગડ્યા હતા. જેના કારણે ગરબા રસિકોમા આયોજન બાબતે આક્રોશ જોવા મળ્યો હતો. છતાં આયોજકો પોતાના અહંકારમાં જ રાચી રહ્યા છે. અહીં રોજબરોજ કોઇક ને કોઇક કારણોસર વિવાદોમાં થાય છે. પાર્કિગ, બાથરૂમ, શૌચાલયની અસુવિધા જોવા મળે છે. ત્યારે પાંચમા નોરતે ચાલુ ગરબા દરમિયાન ભારે ભીડને કારણે શ્વાસ રૂંધાય જતાં એક સિનિયર સિટીઝન બેભાન બનતા ગરબામાં અફરાતફરી મચી ગઇ હતી. મુશ્કેલીથી સિનિયર સિટીઝનને ભીડમાંથી સારવાર અર્થે ખસેડવા પડ્યા હતા. તે પહેલાં અહીં બાઉન્સરોએ રૂ. 500 લઈ એક યુવકને ગરબામાં પ્રવેશવા દીધા બાદ તેને માર મારીને ગરબામાંથી બહાર કાઢી મૂકી તેના પર મોબાઇલ ચોરીનો આક્ષેપ કર્યો હતો. જો કે તપાસમાં મોબાઈલ ચોરીનો આક્ષેપ ખોટો સાબિત થયો હતો પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી અને ઘણો હંગામો થયો હતો. અહીં રોજબરોજના વિવાદો થઇ રહ્યાં છતાં આયોજકો જાડી ચામડીના બની ગયા છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે લોકો ગરબા ગાયક અતુલ પુરોહિત તથા તેમના વૃંદને કારણે અહીં આવે છે ના કે યુનાઇટેડ વે ના નામે કે આયોજકોના પ્રતાપે. આયોજકો એ વાત ભૂલી જાય છે જે લોકો મોંઘાદાટ પાસ ખરીદી આવે છે તેઓના લીધે જ ગરબાની શાન, આવક મળે છે જો આ જ રીતે આયોજકોની નીતિ રહેશે તો યુનાઇટેડ વે ગરબામાં લોકોની સંખ્યા, પ્રતિષ્ઠા ઘટી જાય તો નવાઇ નહિ.
તંત્રના પણ આંખ આડા કાન, કોઈ દુર્ઘટના બને તો અધિકારીઓ જવાબદાર રહેશે
યુનાઇટેડ વેના ગરબામાં હજારો લોકોને પ્રવેશ આપી રૂપિયા કમાઈ લેવાનો ધંધો માંડયો છે. મેદાનમાં કેટલા લોકો છે એની કોઈ માહિતી તંત્ર પાસે નથી. રસ્તા પર આડેધડ પાર્કિંગ થાય છે. મેદાનમાં ન કરે નારાયણને કોઈ અજુગતી ઘટના બને તો લોકોને સલામત કાઢી શકાય તેવી વ્યવસ્થા નથી. અહી જો કઈ પણ અજુગતી ઘટના બની તો તે માટે નિયમો પ્રત્યે આંખ આડા કાન કરનાર અધિકારીઓ જવાબદાર રહેશે.