વડોદરાના ગરબાના સૌથી મોટા ધંધાદારી આયોજન યુનાઈટેડ વેમાં નોરતાંની પહેલી રાતે ઉત્સાહભેર ગરબા ખેલવા ગયેલા લોકોએ મસમોટી રકમ ચૂકવ્યા પછી પણ કાદવ ખૂંદવો પડતાં પસ્તાવાનો વારો આવ્યો હતો. જોકે, ગુજરાતમિત્રએ તો બપોરે જ ચેતવણી આપી દીધી હતી કે પગ ગંદા કરવાની તૈયારી હોય તો જ યુનાઈટેડ વે માં જજો. પરંતુ, મોંઘા મોલ ચૂકવી સિઝન પાસ લઈ ચૂકેલા લોકોને રૂપિયા ગુમાવવા પરવડે તેમ ન હોવાથી ગયા તો ખરા. પરંતુ પાર્કિંગ સુધી પહોંચતા જ નવ નેજા પાણી આવી ગયા હતા. પાર્કિંગ માં જ ભારે કાદવ હતો. સૌથી ખરાબ બાબત તો એ હતી કે ગરબામાંથી કરોડો કમાતા યુનાઈટેડ વે ના ધંધાદારી આયોજકોએ પાર્કિંગ માં લાઈટની કોઈ વ્યવસ્થા જ કરી નહોતી. મોબાઈલની ટોર્ચ ના સહારે કાદવ ખુંદતા લોકો આગળ વધ્યા હતા. હવે સવાલ એ થાય કે લાઈટ ના હોય તો મહિલાઓની સુરક્ષાની ગેરંટી શું? કોઈ અજુગતી ઘટના બને તો કાદવમાં કોઈ મહિલા ભાગી પણ ન શકે.
માત્ર અતુલ દાદા માટે આવીએ છીએ, પણ આવતા વર્ષે નહિ આવીએ
નિરાશ થયેલા લોકોએ એવો આક્રોશ વ્યકત કર્યો હતો કે અમે માત્ર અતુલ પુરોહિત દાદા માટે આ યુનાઈટેડ વે માં આવીએ છે, બાકી છેલ્લા ત્રણ વર્ષ થી અહીં કોઈ જાતની વ્યવસ્થા હોતી નથી . ગયા વર્ષે પણ અમારે પથ્થર અને કાંકરા વચ્ચે લોહીવાળા પગે ગરબા કરવા પડ્યા હતા તો આ વર્ષે કાદવમાં ગરબા રમવા પડ્યા છે. આવતા વર્ષે અમે નહિ આવીએ.
પેડીક્યોર નો બે હજારનો ખર્ચ માથે પડ્યો
એક મહિલાએ સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કરતા લખ્યું હતું કે બે હજાર રૂપિયા ખર્ચીને પગમાં પેડીક્યોર કરાવ્યું હતું, પણ યુનાઈટેડ વેના ગરબામાં આ ખર્ચો નકામો ગયો અને પગ અને ચણીયા ચોળી ગંદા થઈ ગયા.
યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડની આસપાસ ભારે ટ્રાફિકજામ ખેલૈયાઓ અટવાયા
નવરાત્રીની પહેલી રાત્રે ઠેર ઠેર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા કલાલી યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડની આસપાસ ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ખેલૈયાઓ સમયસર ગ્રાઉન્ડ પર પણ ન જઈ શકે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. અનેક લોકો પોતાની ગાડી પાર્ક કરવા અને ગાડી લઈને ગ્રાઉન્ડ સુધી પહોંચવા મારે જહેમત કરવી પડી હતી. મોટા ધંધાદારી ગરબા આયોજકો મસ્ત મોટી ફી લઈ ગરબા રસિકોને પાસ તો આપે છે પરંતુ પાર્કિગની કોઈ વ્યવસ્થા નથી . કલાલીથી અકોટા અને કલાલીથી ગોત્રી તરફ તમામ માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે ખેલૈયાઓ અટવાયા હતા અને સમયસર ગ્રાઉન્ડ ઉપર પહોંચી શક્યા ન હતા. સાથે સાથે દર્શકો પણ પોતાની ગાડીમાં કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાતા નારાજગી જોવા મળી હતી.