Vadodara

યુનાઇટેડ વેના આયોજકો ગરબાના નામે માત્ર ધંધો કરે છે, ધારાસભ્ય યોગેશ પટેલ આકરા પાણીએ

ગરબા મેદાનમાં અશ્લિલ હરકત કરતા યુવક યુવતીઓને જાહેરમાં મેદાનમાં જ મારો : યોગેશ પટેલ

એલવીપી ગરબા મહોત્સવમાં બ્રેકમાં પતિને આલિંગન કરી ચુંબન કરતી યુવતીનો વીડિયો વાયરલ :


( પ્રતિનિધી )વડોદરા,તા.27

ચાલી રહેલી નવરાત્રી દરમિયાન સંસ્કારી નગરી વડોદરામાં માંની ભક્તિ અને આરાધના કરવાના બદલે યુવાનો મેદાન પર અશ્લીલ હરકતો કરતા વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે. જેને લઈ મોટો વિવાદ થયો છે. યુવાનોના આ હરકતથી હવે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે લોકોને આહવાન કરતા કહ્યું હતું કે તેમને જાહેરમાં માર મારવો જોઈએ.

નવરાત્રીના પ્રારંભ પૂર્વેથી શહેરનો યુનાઈટેડ વે ગરબા મહોત્સવ વિવાદમાં સપડાયો હતો. ઊંચો ચાર્જ વસૂલી તગડી કમાણી કરતા માલેતુજાર આયોજકો પાસની વહેંચણી નહીં કરી શકતા અલકાપુરી ક્લબ ખાતે ખેલૈયાઓએ તોડફોડ કરી હતી. જ્યારે ગરબા મેદાનમાં કાદવ કિચ્ચડનો નિકાલ નહીં થતા ખેલૈયાઓએ મેદાન ખાતેથીજ રિફંડની માંગણી કરી હતી. જ્યારે નવરાત્રીનો પ્રારંભ થતા યુનાઇટેડ વે ગરબા મેદાનમાં એક દંપતી દ્વારા અશ્લિલ હરકત કરતા વિવાદ થયો હતો. માઁની આરાધનાના પર્વમાં હિન્દૂ સમાજની લાગણી દુભાતા લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી. જોકે આ વિવાદ આટલેથી અટકે તેમ ન હોય યુનાઇટેડ વેમાં વધુ એક દંપતીનો વીડિયો સામે આવ્યો હતો. જે બાદ એલવીપી એટલેકે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા મહોત્સવમાં પણ બ્રેક દરમિયાન પતિને આલિંગન કરી ચુંબન કરતી યુવતી માતાજીની આરાધનામાં ભાન ભૂલી ગઈ હતી. ત્યારે સંસ્કારી નગરીની સંસ્કારીતાને કલંક લગાવતા દંપતી ઉપર ફિટકારની લાગણી વરસી રહી છે. ત્યારે,હવે ગરબા મેદાનોમાં અશ્લિલતાની હોડ જામી રહી હોય ધારાસભ્ય મેદાનમાં આવ્યા હતા. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ગરબા મેદાનોમાં થતી અશ્લિલ હરકતો સામે આક્રમક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અશ્લીલ વીડિયો મામલે પોલીસ અને ગરબા આયોજકોએ કોઈ કાર્યવાહી નથી કરી. વધુમાં યોગેશ પટેલે લોકોને આહ્વાન કર્યું હતું કે, ગરબા મેદાનમાં અશ્લીલ હરકત કરતાં યુવક યુવતીઓને જાહેરમાં મેદાનમાં જ મારો. યુનાઇટેડ વે ગરબાના આયોજકો માત્ર ગરબાના નામે ધંધો કરે છે. મોટા બિઝનેસમેનોને ખુશ કરવા ગરબાનું આયોજન કરે છે. આયોજકો સામે પણ FIR કરવી જોઈએ. પોલીસ આવા લોકો સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરતી. નોંધનીય છે કે, નવરાત્રિમાં ગરબા મેદાનો પર શક્તિના પર્વમાં માઁ આદ્ય શક્તિની આરાધના સાથે ગરબે ઘૂમવાના બદલે આજનું યુવાધન સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા માટે અશ્લીલ હરકતો સાથેના વીડિયો અને રીલ્સ બનાવવા પાછળ ઘેલા બન્યા છે. ત્યારે કોઈની આસ્થાને ઠેસ પહોંચાડી આવી રીલ્સ બનાવવી કેટલી યોગ્ય તેવા સવાલ માઈ ભક્તો ઉઠાવી રહ્યા છે. બીજી તરફ શહેરના માલેતુજાર ગરબા મહોત્સવ યુનાઇટેડ વે બાદ હવે એલવીપીમાં પણ અશ્લિલ હરકતો કરતા હોવાનો એક વીડિયો સામે આવતા લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.

કોઈ અશ્લીલતા નહીં ચલાવી લેવાય : હર્ષ સંઘવી

મા અંબાની ભક્તિ દરમિયાન કોઈ અશ્લીલતા નહીં ચલાવી લેવાય. પોલીસ વડાઓને સુચના આપી છે કે, ગુજરાતની સંસ્કૃતિ પર ઠેસ પહોંચે નહીં. એવા કિસ્સા ધ્યાન પર આવશે તો તો તેની સામે કડકમાં કડક પગલા ભરવામાં આવશે. વડોદરાના ગરબામાં જે થયું એ કેસમાં માફી મંગાવી છે. જે યુગલને છોડી મુકાયા છે, તેમની સામે પણ પગલા ભરવામાં આવશે. નવરાત્રી આસ્થાનો પર્વ છે. આ પર્વમાં અસલીલતા અને સ્થાન નથી :

હર્ષ સંઘવી,ગૃહ રાજયમંત્રી


Most Popular

To Top