વડોદરામાં ગેસ કટોકટી, યુદ્ધના કારણે ઈંધણના પુરવઠા પર ‘બ્રેક’, હોટલ ઉદ્યોગ પાયમાલ થવાની ભીતિ
IOCL એ મેઈલ દ્વારા સપ્લાય રોકવાની કરી જાણ, ઘરેલુ ગેસના સ્ટોકમાં પણ ધરખમ ઘટાડો નોંધાતા જનતામા ફફડાટ


(પ્રતિનિધિ), વડોદરા. તા.10
વડોદરા :- વૈશ્વિક સ્તરે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ના કારણે સીધી અસર હવે ભારતના સ્થાનિક બજારો પર દેખાવા લાગી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ અને ગેસના સપ્લાયમાં આવેલા અવરોધને કારણે ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને LPG રાંધણ ગેસની અછત સર્જાઈ રહી છે. આ વૈશ્વિક સંકટની અસર હેઠળ વડોદરામાં પણ કોમર્શિયલ ગેસનો પુરવઠો સાવ તળિયે પહોંચી ગયો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા સ્થાનિક ગેસ એજન્સીઓને એક મહત્વપૂર્ણ મેઈલ કરીને સૂચના આપવામાં આવી છે કે, હવેથી હોટલ અને અન્ય વ્યાપારી એકમોને કોમર્શિયલ ગેસનો પુરવઠો પૂરો પાડી શકાશે નહીં. આ આદેશને પગલે વડોદરાના અંદાજે 36 જેટલા મુખ્ય ગોડાઉનોમાં કોમર્શિયલ ગેસના બોટલોનો સ્ટોક ખાલી થઈ ગયો છે.
અગાઉ જ્યાં ગેસના જથ્થા માટે દરરોજ બે મોટી ગાડીઓ આવતી હતી, તે ઘટીને હવે માત્ર એક થઈ ગઈ છે. માત્ર કોમર્શિયલ જ નહીં, પરંતુ ઘરેલુ વપરાશના ગેસના પુરવઠામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે શહેરની નાની-મોટી હોટલો, કેટરિંગ સર્વિસ અને ફરસાણના કારખાનાઓ બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે.
:- ધંધાર્થીઓ માટે માઠા સમાચાર…
હોટલ-રેસ્ટોરન્ટના સંચાલકો સાવધ!
IOCL દ્વારા ગેસ એજન્સીઓને કરાયેલા સત્તાવાર મેઇલ બાદ હવે આજથી હોટલના ધંધાર્થીઓને કોમર્શિયલ રાંધણ ગેસ મળતો બંધ થશે. વડોદરાના 36 ગોડાઉનોમાં સ્ટોક ‘નીલ’ થતા હાહાકાર મચી ગયો છે. સપ્લાયમાં 50% નો કાપ મુકાતા હવે હોટલ, કેટરિંગ અને ફરસાણના એકમોને તાળા મારવાની નોબત આવી શકે છે. ગેસના આ સંકટને પગલે બજારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
– વડોદરામાં ગેસ કટોકટી, હોટલ-રેસ્ટોરન્ટના વ્યવસાયો પર તોળાતું જોખમ…
વડોદરા : શહેરમાં LPG કોમર્શિયલ ગેસના જથ્થામાં અચાનક ઘટાડો થતાં હોટલ, રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ વેન્ડરોની હાલત કફોડી બની છે. બરોડા હોટલ ઓનર્સ એસોસિએશનના ઉપપ્રમુખ હેમલ મહેતાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો ગેસના બોટલ નહીં મળે તો ધંધા-રોજગાર બંધ કરવાની નોબત આવશે. આ અછત વચ્ચે ગેસ એજન્સીઓ દ્વારા કાળાબજારી કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો પણ ઉઠ્યા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે અગાઉ જે ગેસના બોટલનો ભાવ રૂ. 1800 હતો, તે હાલ અછતનો લાભ લઈને રૂ. 2400 થી 2500 સુધીના ઉંચા ભાવે વેચાઈ રહ્યો છે. પુરવઠો ખૂટી પડતાં નાના વેપારીઓ અને ફૂડ ઈન્ડસ્ટ્રીમાં ભારે ફફડાટ ફેલાયો છે.