ઘરેલું ગ્રાહકોને પ્રાધાન્ય, આવશ્યક સેવાઓને જ ગેસ પુરવઠો આપવાની સૂચના
(પ્રતિનિધિ), વડોદરા, તા.11
વર્તમાન વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવ અને યુદ્ધની પરિસ્થિતિની અસર હવે ગેસ પુરવઠા પર જોવા મળી રહી છે. ગેસની અછતને પહોંચી વળવા માટે ઓલ ઇન્ડિયા LPG ડિસ્ટ્રીબ્યુટર્સ ફેડરેશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ હોટલ અને રેસ્ટોરન્ટ જેવા બિન-આવશ્યક વ્યાપારી એકમોને આપવામાં આવતા કોમર્શિયલ LPG સિલિન્ડરનો પુરવઠો હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે.
ફેડરેશનના પ્રમુખ ચંદ્ર પ્રકાશ દ્વારા દેશભરના LPG વિતરકોને પાઠવવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, વર્તમાન કટોકટીમાં ઘરેલું (ડૉમેસ્ટિક) ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રથમ પ્રાથમિકતા રહેશે. ગેસ વિતરકોને સામાન્ય જનતાના રસોડામાં ગેસનો સતત પુરવઠો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ, કોમર્શિયલ ગેસના મર્યાદિત જથ્થાને ધ્યાનમાં રાખીને હોટલ-રેસ્ટોરન્ટ જેવા બિન-આવશ્યક વ્યવસાયોને પુરવઠો અટકાવવામાં આવ્યો છે. જો વિતરકો પાસે કોમર્શિયલ સિલિન્ડરનો સ્ટોક ઉપલબ્ધ હોય તો પણ ઓઈલ કંપનીઓની નીતિ મુજબ માત્ર હોસ્પિટલો અને અન્ય આવશ્યક સેવાઓને જ પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે.
સરકાર દ્વારા ગેસના વિતરણ પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જરૂર પડ્યે વિતરકોને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ પુરવઠા અંગેનો સચોટ ખુલાસો આપવો પડી શકે છે.
જોકે, આ સ્થિતિ લાંબા સમય સુધી રહે તેવી શક્યતા ઓછી હોવાનું પણ ફેડરેશન દ્વારા જણાવાયું છે. ભારત સરકાર અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) LPGની ઉપલબ્ધતા વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને આગામી બે થી ત્રણ દિવસમાં પુરવઠાની સ્થિતિમાં સુધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હોટલ-રેસ્ટોરન્ટમાં ગેસ સપ્લાય પર કાપ મુકાતા ખાણી-પીણી ઉદ્યોગ પર તેની અસર જોવા મળી શકે છે. તેમ છતાં સરકારની પ્રાથમિકતા સામાન્ય નાગરિકોના રસોડામાં ગેસ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવાની છે.